HomeBusiness'Power Of Public Speaking'/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ’વિષય પર...

‘Power Of Public Speaking’/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ’વિષય પર વર્કશોપ યોજાયો/India News Gujarat

Date:

લોકોના હૃદય સુધી સ્પર્શી જાય એ સારા વકતા : નિખિલ મદ્રાસી

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ’વિષય પર વર્કશોપ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા પ્રભાવશાળી વકતા નિખિલ મદ્રાસીએ એમ્પ્લોઇ તથા બિઝનેસ કલાયન્ટ સાથે સરળતાથી વિચારો રજૂ કરવા માટે, જાહેરમાં વિશ્વાસપૂર્વક બોલવા માટે, માસ્ટર કોમ્યુનિકેટર બનવા માટે તથા બોસ અને ગ્રાહકો સાથે વિશ્વાસપૂર્વક કેવી રીતે વાત કરવી ? તે અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, એક કે તેથી વધુ વ્યકિત થાય એટલે પબ્લીક સ્પીકિંગ થાય. પબ્લીક સ્પીકિંગ એ લોકો સુધી સારા વિચારો પહોંચાડતા શીખવે છે. લોકોના હૃદય સુધી સ્પર્શી જાય એ સારા વકતા કહેવાય છે. સારા વકતા બનવા માટે સારા શ્રોતા બનવું પડે છે. જ્યારે પણ વકતવ્ય સાંભળતા હોવ ત્યારે તમારું મન તે વકતવ્યમાં હોવું જરૂરી છે. જેથી બોલાયેલા વાકયોનો અર્થ તમે સમજી શકો. વકતા દરેક શબ્દોનો અર્થ નથી સમજાવતો હોતો એટલે શબ્દોનો અર્થ સમજવા માટે એક ચિત્તે વકતવ્ય સાંભળવું જરૂરી છે. સારા વકતા બનવા માટે નોલેજની ખૂબ જરૂરિયાત હોય છે. એના માટે નિયમિત છાપા અને મેગેઝીન વાંચો, એટલું જ નહીં પણ અખબારોની પૂર્તિ પણ ધ્યાનથી વાંચો. ગુગલ પર અલગ – અલગ વિષય પર સર્ચ કરવાનું રાખો, જેથી તમે સમયની સાથે તાલમેલ મેળવી શકો.

વકતા માટેની બીજી જરૂરિયાત છે કે તકને ઝડપતા શીખો. માં પણ ચોકકસ ઉંમર સુધી જ બાળકને જમાડતી હોય છે, પછી તો બાળકે જાતે જ જમવાનું હોય છે. તેવી જ રીતે વકતા બનવા માટે તક ઝડપવી જરૂરી છે, જેથી તમને બોલવાની આદત પડે. તેમણે કહયું કે વકતવ્યની શરૂઆત વાર્તા, શાયરી, રમૂજી ટૂચકા, કવિતા, ગીત, પંકિત, ચોંકાવનારી હકીકત અને પદાર્થના ઉપયોગથી થઇ શકે. પરંતુ શરૂઆત વકતાને કેટલો સમય બોલવા માટે આપવામાં આવ્યો છે તેના પર નિર્ભર રહે છે. એવું નહીં થવું જોઇએ કે દસ મિનિટનો સમય આપ્યો હોય અને ત્રણ મિનિટ શરૂઆતમાં નીકળી જાય. વકતવ્યના મધ્ય ભાગમાં ભરચક માહિતી આપવી જોઇએ પણ માહિતી આપતી વખતે વધુ પડતા આંકડાની માયાજાળમાં પડવું નહીં કે જેથી વકતવ્ય નિરસ થઇ જાય. એ જ રીતે વકતવ્યના અંત ભાગમાં આખા વકતવ્યનો સરવાળો રજૂ કરી શકાય. આભાર દર્શન પણ વકતવ્યના અંતમાં હોવો જોઇએ.

આ ઉપરાંત વાર્તા, શાયરી, રમૂજી ટૂચકા, કવિતા, ગીત, પંકિત અને અપીલ ફોર એકશનથી અંત લાવી શકાય. વકતા માટે પોશ્ચર એટલે કે વકતાની વર્તમાન શારીરિક સ્થિતિ, જેશ્ચર એટલે કે હાવભાવ, વોઇસ પીચ એટલે કે અવાજની સપાટી, વોઇસ મોડયુલેશન એટલે આરોહ–અવરોહ, ભાષા શુદ્ધિ, પોઝ એટલે વિરામ અને શબ્દભાર જેવા ગુણ હોવા જોઇએ. વકતવ્યના પ્રકારો જેવા કે સ્વાગત પ્રવચન, પરિચય વિધી, આભાર વિધી, મોટીવેશનલ સ્પીચ, ફેરવેલ સ્પીચ, પોલિટિકલ સ્પીચ વિગેરે ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યા હતા. વકતાના પ્રકારો જણાવતા તેમણે કહયું કે એકસપ્રેસ સ્પીકર, સ્લો સ્પીકર અને મોનોટોનસ સ્પીકર નહીં બનતા, વકતા બનવાની દિશામાં હંમેશા પ્રયત્ન કરવા જોઇએ, જે માત્ર સતત પ્રેકિટસ દ્વારા જ સંભવી શકે.

ચેમ્બરના એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશ પમનાનીએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. વકતાએ શ્રોતાઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ વર્કશોપનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Latest stories