નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ઉધના ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
‘પી.એમ.સ્વનિધી યોજના હેઠળ નાનામાં નાના માનવીને પણ આત્મનિર્ભર બનવાની તક અને પ્રોત્સાહન મળ્યું છે’: નાણામંત્રી કનુભાઈ દેસાઇ
‘૯૪ હજારથી વધારે લભાર્થીઓએ આ યોજના હેઠળ ૧૨૦ કરોડથી વધારેની લોન મેળવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે’: મેયર દક્ષેશભાઈ માવાણી
’સાયકલ ટુ સ્કૂલ’ કાર્યક્રમ હેઠળ ૩૭૬ સાયકલનું વિતરણ
પીએમ સ્વનિધી હેઠળ લોન સહાય અંતર્ગત વિવિધ બેન્કોની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી એનાયત
કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉધના સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ ખાતે નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ભાષાવાદ, જાતિવાદ જેવી મર્યાદાઓને ઓળંગીને માત્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશભરમાં ગુજરાતના વિકાસશીલ મોડેલની નોંધ લેવાય રહી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, પી.એમ.સ્વનિધી યોજના હેઠળ નાનામાં નાના માનવીને પણ આત્મનિર્ભર બનવાની તક અને પ્રોત્સાહન મળ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, કોરોનાના કપરા કાળ બાદ રોજ પર ગુજરાન ચલાવતા નાના વેપારીઓ, ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ નીવડી છે. બદલાતા સમય સાથે લોકોને ડિજિટાઈઝેશન માટે મળેલા પ્રોત્સાહનને કારણે લોકો નાણાકીય વ્યવહારો માટે પણ આત્મનિર્ભર બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકારીત થઈ રહ્યું હોવાનું જણાવી શહેરના મેયરએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ મોટા પાયે લાભ લેનારા સુરતવાસીઓને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ૯૪ હજારથી વધારે લભાર્થીઓએ આ યોજના હેઠળ ૧૨૦ કરોડથી વધારેની લોન મેળવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે. સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ થકી હજારો નાના વેપારીઓના જીવનમાં ઉજાસ ફેલાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘સાયકલ ટુ સ્કૂલ’ પાયલોટ પ્રોજેકટ હેઠળ શાળાના વિદ્યાર્થીઓને CSR ફંડમાંથી કુલ ૩૭૬ સાયકલનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ આ યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને મહત્તમ લોન આપી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બેન્કોના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સાંસદ સી. આર. પાટિલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયિ સમિતિ અધ્યક્ષ રાજન ભાઈ, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, શાશક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, માજી મેયર નિરંજન ભાઈ ઝાંઝમેરા, અગ્રણી કિશોરભાઈ બિંદલ, વિવિધ સમિતિઓના ચેરમેનો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, લાભાર્થી સ્ટ્રીટ વેન્ડર્સ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.