અડાજણ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સ્નેહ મિલનમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સંવાદ સાધ્યો
નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ નીવડી છે: રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
અડાજણ સ્થિત દિવાળીબાગ કોમ્યુનિટી હોલ ખાતે કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને સુરત મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાના લાભાર્થીઓની આત્મનિર્ભરતા અને ગુણવત્તાયુક્ત જીવનસ્તર બાબતે શેરી ફેરિયાઓના પરિવારજનો સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. અહીં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે સંવાદ સાંધી પ્રોત્સાહિત કર્યા હતા.
વિક્રમ સંવત ૨૦૮૦ના નવા વર્ષે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત દુનિયાનું સૌથી ઝડપથી પ્રગતિ કરતું શહેર છે. ગત વર્ષે સમગ્ર દેશમાં સુરત શહેરને અનેક એવોર્ડ અને સિદ્ધિઓ મેળવી છે, તેની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે. સંકલ્પથી સિદ્ધિને પામવા અને ૨૦૪૭માં વિકસિત ભારતની નેમને ચરિતાર્થ કરવા દેશ અગ્રેસર થઈ રહ્યો છે. સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ થકી અનેક નાના નાના વેપારીઓના જીવનમાં ઉજાસ ફેલાયો છે.
વધુમા રેલ્વે રાજયમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાના કપરા કાળ દરમિયાન અને ત્યારબાદ રોજે-રોજનું કમાઈને ઘરનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ નીવડી છે. નોકરીની સાથે સાથે કર્મયોગીઓને તાલીમ મળે તે માટે સરકારે વ્યવસ્થા કરી છે. ઉદ્યમી મહિલાઓ ઘરબેઠા હેન્ડલૂમ હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ બનાવતી થઈ છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી છે. પીએમ આવાસ યોજના સાથે સાથે સ્વનિધિ યોજનાનો લાભ આપવામાં સુરત હંમેશા અગ્રેસર રહ્યું છે.
મહિલાઓ સ્વાભિમાની અને સ્વનિર્ભર બનશે તો દેશના વિકાસને નવી ગતિ મળશે. બિઝનેસ રિફોર્મ્સ અંતર્ગત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત સર્વોચ્ય બન્યું છે એનો ઉલ્લેખ કરી મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર સરકારની વિવિધ ૨૨ જેટલી યોજનાનો લાભ ૧૦૦ ટકા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તેવી સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
આત્મનિર્ભર શેરી ફેરિયાઓના સ્નેહમિલન સમારોહમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓને મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, ડે.મેયર ડો. નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, અગ્રણી મુકેશભાઇ દલાલ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, લાભાર્થી સ્ટ્રીટ વન્ડર્સ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.