‘સ્વચ્છતા હી સેવા’: ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’
સુરત જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન
જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
તા.૨જી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાશે
ગામ-નગરોને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં જોડાવાનો નાગરિકોને અનુરોધ
મેગા સ્વચ્છતા ઝુંબેશના ભગીરથ કાર્યમાં પદાધિકારીઓ, જિલ્લા/તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યો, સરપંચો અને ગ્રામ પંચાયત સભ્યો સહિતના આગેવાનો જોડાશે
‘સ્વચ્છતા હી સેવા’ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’ સૂત્ર સાથે મેગા સ્વચ્છતા ઝુંબેશ યોજાશે. જેના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગે “સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અન્વયે દેશના તમામ ગામ તથા શહેરી વિસ્તારોને લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન અને સ્વચ્છતા વિષયક કાર્યક્રમો-પ્રવૃત્તિઓ યોજાશે, જેમાં સુરત મહાનગરપાલિકા, અન્ય નગરપાલિકાઓમાં દરેક વોર્ડવાઈઝ, દરેક ગામમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ યોજાશે, જેમાં બહોળી સંખ્યામાં લોકોને જોડાવા માટેની અપીલ છે. આ અવસરે સફાઈ કર્મીઓનું સન્માન, વૃક્ષારોપણ, નુક્કડ નાટક દ્વારા સફાઈનું મહત્વ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ થશે.
આ ભગીરથ કાર્યમાં મંત્રીઓ, ધારાસભ્યઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ જોડાશે. આ ઉમદા કાર્યમાં તમામ સુરત જિલ્લાના લોકોને સ્વચ્છતા માટેની મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાનો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, તા.૨જીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા, રંગોળી સ્પર્ધા તથા સ્વચ્છતા અભિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, ઓલપાડ તથા કામરેજના પ્રાંત અધિકારી, તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.