HomeBusiness"Natural Farming Review Meeting"/પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક/INDIA NEWS GUJARAT

“Natural Farming Review Meeting”/પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક/INDIA NEWS GUJARAT

Date:

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક:

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
◆ પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી, પરંતુ ઉત્તરોત્તર વધે છે: ખેડૂતો આ વાસ્તવિકતા સમજે તે અત્યંત આવશ્યક
◆ આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા-ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવાનું લક્ષ્ય: આ ઝુંબેશમાં મહિલાઓને પ્રોત્સાહિત કરાશે
◆ ગુજરાતના ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી◆ ઝેરમુક્ત ખેતી અને પોષણયુક્ત આહાર માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓને રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન કર્યું છે, અને પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા હાકલ કરી છે, તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે. જેના પરિણામે ગુજરાતમાં આજે ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ ઝુંબેશમાં મહિલાઓને પ્રોત્સાહિત કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલએ કહ્યું કે, ઝેરમુક્ત ખેતી અને પોષણયુક્ત આહાર માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી, પરંતુ ઉત્તરોત્તર વધે છે, ખેડૂતો આ વાસ્તવિકતા સમજે તે અતિ આવશ્યક છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે. જૈવિક ખેતી સદંતર નિષ્ફળ છે, જ્યારે વિશુદ્ધ પ્રાકૃતિક ખેતી કૃષિ અને ખેડૂતો માટે તારણહાર બની છે, એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે.

તાજેતરમાં રાજ્યમાં થયેલો કમોસમી વરસાદ એ ગ્લોબલ વોર્મિંગ અને પ્રકૃતિ સાથે માનવીએ કરેલી છેડછાડનું પરિણામ છે એમ જણાવતાં રાજ્યપાલએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રકૃત્તિને સહયોગ આપીશું તો સુખ મળશે, પરંતુ તેનાથી વિપરીત જઈશું, પ્રકૃતિથી વિમુખ થઈશું તો તેના ગંભીર પરિણામો ભોગવવા માનવજાતે તૈયાર રહેવું પડશે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે, ઉષ્ણતામાન વધવા અને હવામાનમાં ફેરફારો જેવા પર્યાવરણીય સંકટો સામે લડવાના રોડમેપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત કાર્યરત અને ચિંતિત છે.

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે તેમ જણાવી રાજ્યપાલએ ઉપસ્થિત અગ્રણી પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા પૂરી પાડવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ડાંગ જિલ્લાની માફક રાજ્યના આદિવાસી જિલ્લાઓને સંપૂર્ણપણે પ્રાકૃતિક બનાવવાનો અને પ્રકૃતિપૂજક આદિવાસીઓને આ અભિયાનનો હિસ્સો બનાવવાનો લક્ષ્યાંક સેવ્યો છે.

આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને રાજ્યના ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર વિશ્વને જીવન જીવવાનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, રાજ્યપાલના માર્ગદર્શનમાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજગતિથી આગળ વધી રહ્યું છે. હાલ જિલ્લામાં ૪૧,૭૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્યારે જિલ્લાના તમામ ખેડૂતો આ ખેતી અપનાવે એના પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક કૃષિ ઝુંબેશના પરિણામે રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે. સુરતના નાગરિકોને ઝેરમુક્ત અનાજ અને શાકભાજી પૂરા પાડવા વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીતે સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ફાર્મર માસ્ટર ટ્રેનરોની તાલીમ, જીવામૃત-ઘન જીવામૃત બનાવવા માટે તાલીમ અને કાર્યક્રમો, ખેડૂતો સાથે સંવાદ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા જેમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ૨૩ વેચાણ કેન્દ્રો, કૃષિ મેળાઓનું આયોજન, રવિ કૃષિ મહોત્સવ, ગૌપાલન, મોડેલ ફાર્મ વિઝીટ, વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અને માર્ગદર્શન અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યપાલનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતોએ પોતાના અનુભવો પણ જણાવ્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) સી.આર.પટેલ, નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયા, નાયબ પશુપાલન નિયામક એમ.પી. ભીમાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિના જિલ્લા સંયોજક કમલેશ પટેલ, તાલુકા સંયોજકો, પ્રાકૃતિક કૃષિ માટે નિમાયેલા તાલુકાના વિવિધ નોડલ કૃષિ અધિકારીઓ, સહિત પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories