HomeBusiness"National Philately Day"/દિન વિશેષ: ‘તા.૧૩ ઓકટોબર- રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ’/India News Gujarat

“National Philately Day”/દિન વિશેષ: ‘તા.૧૩ ઓકટોબર- રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ’/India News Gujarat

Date:

દિન વિશેષ: ‘તા.૧૩ ઓકટોબર- રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ’

‘કિંગ ઓફ હોબી’ ગણાતો ‘ફિલાટેલી’ એટલે ડાક સામગ્રીનો સંગ્રહ અને તેનો અભ્યાસ

દેશ-વિદેશની ૧૫ લાખથી વધુ ટિકિટોનું દસ્તાવેજીકરણ કરનારા સુરતના ફિલાટેલિસ્ટ હિરેન ઝવેરી નવી પેઢી માટે પ્રેરણારૂપ

વર્ષ ૧૮૪૦નો દુનિયાના પ્રથમ સ્ટેમ્પથી લઈ ભારતના અત્યાર સુધીના દરેક સ્ટેમ્પસ, ખાસ કવર, ચિત્રાત્મક અને સ્થળાંતરિત કેન્સલેશન, પોસ્ટ કાર્ડ્સ અને પ્રથમ દિવસ પરબીડિયા સહિતની દરેક ભારતીય ડાક સામગ્રીઓના ‘સંગ્રહનું સરનામું’ એટલે હિરેન ઝવેરી

 નાનપણથી જ ટિકિટો ભેગી કરવાનો શોખ અને ઉત્સુકતા હતી: યોગ્ય માર્ગદર્શન મળતા ફિલાટેલી વિષે વધુ જાણવા-સમજવાની તક મળી

 ફિલાટેલી મારા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે: ફિલાટેલિસ્ટ હિરેન ઝવેરી

‘શોખ બડી ચીઝ હૈ..!!’ એ તો સાંભળ્યું હશે, પણ ‘શોખનો રાજા’… આવું કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય. તો ‘ફિલાટેલી’ છે ‘કિંગ ઓફ હોબી’. અને ફિલાટેલી એટલે પોસ્ટલ સ્ટેમ્પસ, મિની સ્ટેમ્પ્સ, ખાસ કવર, મિનીએચર શીટ્સ, મીન્ટ શીટ્સ, ઓટોગ્રાફ કવર, ચિત્રાત્મક અને સ્થળાંતરિત કેન્સલેશન, પોસ્ટ કાર્ડ્સ, મેક્સિમમ કાર્ડ અને પ્રથમ દિવસ પરબીડિયા સહિતની ટપાલ સેવાના દરેક મુદ્દાઓ અને સામગ્રીઓ, ઇતિહાસનો સંગ્રહ અને તેનો અભ્યાસ.
તા.૯ ઓક્ટોબરના વિશ્વ ટપાલ દિવસને અનુસંધાને તા.૯ થી ૧૩ ઓકટોબર દરમિયાન દેશભરમાં ઉજવાતા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહના ભાગરૂપે તા.૧૩ ઓકટોબરને દેશભરમાં ‘રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. અને શોખને આધીન ફિલાટેલી કરતા લોકોને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે. ટપાલ વિભાગ દ્વારા આ દસ્તાવેજીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી ફિલાટેલી દિવસની ઉજવાય છે.
આજે વાત કરીશું સુરતના પીપલોદ વિસ્તાર ખાતે રહેતા ફિલાટેલિસ્ટ હિરેન ઝવેરીની. જેમ્સ એન્ડ જ્વેલરીનો વ્યવસાય કરતા ૫૭ વર્ષીય હિરેનભાઈ લગભગ ૪૫ વર્ષોથી ફિલાટેલી સાથે જોડાયેલા છે, અને તેનો મહત્તમ પ્રચાર પ્રસાર પણ કરે છે. પોસ્ટલ સ્ટેમ્પસ પ્રત્યે અનોખુ આકર્ષણ ધરાવતા હિરેનભાઇ જણાવે છે કે, મને નાનપણથી જ ટપાલ ટિકીટ ભેગી કરવાનો શોખ અને તેના પ્રત્યે ઉત્સુકતા હતી.
મેં માત્ર શોખ માટે કરેલી શરૂઆતને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળતા ફિલાટેલીની દુનિયાને વધુ જાણવા અને સમજવાની તક મળી અને હવે આ શોખ મારા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. મારા ઘરમાં ફિલાટેલી માટે મેં એક અલગ રૂમ ફાળવ્યો છે, જેમાં હું સુખ-ચેનનો અનુભવ કરૂ છું. જીવનની ગમે તેવી પરિસ્થતિમાં જ્યારે મારૂ મન વિચલિત થાય ત્યારે આ શોખ થકી મને મનની શાંતિ મળે છે.
‘કિંગ ઓફ હોબી’ કે ‘હોબી ઓફ કિંગ્સ’ તરીકે ઓળખાતા ફિલાટેલીના શોખ વિષે તેમણે કહ્યું કે, આ એક એવો શોખ છે જે આનંદની સાથે જ્ઞાન પ્રદાન કરતો એક રસપ્રદ વિષય છે. જેમાં કરેલું સમય કે નાણાનું રોકાણ ક્યારેય વ્યર્થ નથી જતું. પરંતુ તમારું રોકાણ આવનારા દાયકાઓ બાદ મહામૂલું સંભારણું બની રહે છે.
વર્ષ ૧૮૪૦નો દુનિયાનો પ્રથમ સ્ટેમ્પ ‘પેની બ્લેક’થી લઈ દેશ વિદેશના ૧૫ લાખથી વધુ સ્ટેમ્પ્સનું દસ્તાવેજીકરણ કરનારા હિરેનભાઇ કહે છે કે, દેશ વિદેશના અનેક સ્ટેમ્પ એકત્ર કરવાની સાથે મારી પાસે ભારતના વર્ષ ૧૮૫૨થી લઈ અત્યાર સુધીનાં લેટેસ્ટ તમામ સ્ટેમ્પસ સહિતની દરેક ડાકસામગ્રીનો સંગહ છે. જેને એકઠું કરવા માટે સૌથી પહેલા વર્ષ ૧૯૮૧માં ફિલાટેલી પોસ્ટલ અકાઉન્ટ ખોલાવ્યું, અને ત્યારબાદ પરિવાર પાસેથી, વિવિધ મેળા/એક્ઝિબિશન તેમજ ઓનલાઈન હરાજીઓમાંથી ઢગલાબંધ ટિકિટો, ખાસ કવર, ચિત્રાત્મક અને સ્થળાંતરિત કેન્સલેશન, પોસ્ટ કાર્ડ્સ અને પ્રથમ દિવસ પરબીડિયા સહિતની ડાકસામગ્રીઓનું સારૂ એવું કલેક્શન કર્યું.
મારા સંગ્રહના કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, સુનિતા વિલિયમ્સ, વિક્રમ સારાભાઈના પરિવાર સહિત અનેક મહાનુભાવોને મળવાની અને તેમના દ્વારા સન્માન મેળવવાની મને તક મળી છે. સાથે જ તેમની સામે મારા દસ્તાવેજોની રજૂઆત કરવાનો મોકો મળવાને કારણે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું.
વિષય કે થીમ આધારિત થતી ફિલાટેલીમાં હિરેનભાઈએ બ્રિટિશ ઈન્ડિયા, પોસ્ટ ઈન્ડિયા, સરદાર વલ્લભભાઈ પટેલ, વાયબ્રન્ટ ગુજરાત, નેશનલ ચિલ્ડ્રન ડે, મેન ઓન મૂન, ભારતીય ‘રાગ’, સુરત જેવા વિષયોને લગતી ટપાલ સામગ્રીનો સંગ્રહ કર્યો છે.
કોઈ પણ દેશની સંસ્કૃતિ, મહાનુભાવો, કલા-સાહિત્ય, સામાજિક-આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે થયેલા વિકાસ અને પ્રગતિને જાળવી રાખવાના શોખ ‘ફિલાટેલી’ માટે નવયુવાનો તેમજ તેમના માતા પિતાને શાળા અને કોલેજોમાં જઈ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હિરેનભાઈ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. કારણ કે તેઓ આ શોખથી બાળકો-યુવાનોને નાની વયથી જ સર્જનાત્મકતા કેળવવા અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories