HomeAutomobiles"Mission 84 Project"/સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી/India News Gujarat

“Mission 84 Project”/સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી/India News Gujarat

Date:

ભારતના જાણીતા અર્થશાસ્ત્રી દેવેન ચોકસીએ ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટથી પ્રભાવિત થઇ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી

ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા મિશન ૮૪ પ્રોજેકટને ખૂબ જ અગત્યનો જણાવી અર્થશાસ્ત્રી દેવેન ચોકસીએ નાણાં મંત્રાલય સહિત અન્ય સંબંધિત મંત્રાલયો તેમજ આર્થિક બાબતોના વિભાગોમાં પોતે પણ આ પ્રોજેકટને રજૂ કરશે તેવી ખાતરી આપી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાની અધ્યક્ષતા હેઠળ માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે ગુરૂવાર, તા. ર૮ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ મુંબઇ ખાતે ડીઆર ચોકસી ફિનસર્વ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર તેમજ સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડીંગ, સ્ટોકસ અને દેશની આર્થિક બાબતોના નિષ્ણાંત તરીકે નેશનલ બિઝનેસ ન્યુઝ ચેનલોમાં એકસપર્ટ વ્યુ આપનારા જાણીતા અર્થશાસ્ત્રી દેવેન ચોકસી સાથે મુલાકાત કરી હતી.

ચેમ્બર પ્રમુખે, દેવેન ચોકસી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા હેતુ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે આ પ્રોજેકટના મહત્વ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રિજીયન સહિત ભારતભરમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે પ્રયાસ થઇ રહયો છે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે, જેની સાથે ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરાશે.

આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. એવી જ રીતે ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને એક પ્લેટફોર્મ પર લાવી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોના કાયદા અને નિયમો વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત જુદા–જુદા દેશોના ઉદ્યોગ નિષ્ણાંતો, કોન્સ્યુલ જનરલો અને એમ્બેસેડરો સાથે વર્ચ્યુઅલ મિટીંગમાં ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાઇ રહયું છે તેમ ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું.

અર્થશાસ્ત્રી દેવેન ચોકસી, ચેમ્બર પ્રમુખની મિશન ૮૪ અંગેની રજૂઆત સાંભળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે પોતે પણ આખા પ્રોજેકટ અંગેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી હતી. ભારતને આર્થિક રીતે વધુમાં વધુ મજબૂત બનાવવા માટે મિશન ૮૪ પ્રોજેકટ ખૂબ જ અગત્યનો છે તેમ તેમણે ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, આ પ્રોજેકટ ખૂબ જ સારો છે અને તેને સફળ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. આ પ્રોજેકટના અમલીકરણ માટેના જરૂરી મુદ્દાઓની તેમણે ચેમ્બરના પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને સમગ્ર પ્રોજેકટને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ તેઓ આપશે તેમ જણાવ્યું હતું.

તેમણે ભારત સરકારના નાણાં મંત્રાલયમાં આ પ્રોજેકટને રજૂ કરવામાં ચેમ્બર ઓફ કોમર્સની સાથે રહેશે ત્યાં સુધીની ખાતરી આપી હતી. ભારત સરકારના નાણાં મંત્રાલય સિવાયના પણ સંબંધિત મંત્રાલયો તેમજ આર્થિક બાબતોના વિભાગોમાં પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં તેઓ ચેમ્બરની સાથે રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ, મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત જે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે તેમાં પણ તેઓ સંપૂર્ણ સહયોગ આપશે તેમ તેમણે જણાવ્યું હતું. ભારત સરકારનું જેમ પોર્ટલ બનાવનારા નિષ્ણાંતોનું માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સને મળી રહે તે માટે તેઓની સાથે મુલાકાત કરાવવાની પણ ખાતરી તેમણે ચેમ્બરના પદાધિકારીઓને આપી હતી. આવી રીતે તેમણે મિશન ૮૪ પ્રોજેકટ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણ સહકાર આપવાનું જણાવ્યું હતું.

SHARE

Related stories

Latest stories