ચેમ્બર દ્વારા યાર્ન ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટીંગ યોજાઇ, એક્ષ્પોર્ટ વધારવા ભાર અપાયો
યાર્ન ક્ષેત્રે સંકળાયેલા તમામ ઘટકોએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને સહયોગ આપવા તેમજ તેના માધ્યમથી એક્ષ્પોર્ટ વધારવા ખાતરી આપી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુનાઇટેડ ગુજરાત યાર્ન ડિલર્સ એસોસીએશનના સ્થાપક પ્રમુખ રાજેશ વેકરિયા તથા હાલના પ્રમુખ પંકેશ પટેલ સહિત યાર્ન ક્ષેત્રના વિવિધ ઘટકો સાથે રવિવાર, તા. ૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ યાર્ન એક્ષ્પો દરમ્યાન મિટીંગ યોજાઇ હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરમેન ગિરધરગોપાલ મુંદડા તથા ચેમ્બરના સભ્યો પ્રવિણ દોન્ગા અને નિતિન શાહ ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં સુરત સહિત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે ચર્ચા – વિચારણા થઇ હતી. યાર્નના ડિલરોએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને સહયોગ આપવા તેમજ તેના માધ્યમથી એક્ષ્પોર્ટ વધારવા માટે ખાતરી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, યાર્નના ડિલરોને સુરત સહિત ગુજરાત રિજીયનથી એક્ષ્પોર્ટ વધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. તેઓ સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની વિસ્તૃત જાણકારી તેઓને આપવામાં આવી હતી. ૧૬મી અને ૧૭મી સદીમાં ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ ૧પ૦ પ્રકારના ફેબ્રિકસ સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. આજે ટેકનોલોજીની મદદથી વિશ્વભરમાં એક્ષ્પોર્ટ કરવું સહેલું બની ગયું છે, પરંતુ એના માટે સુરતમાં જ યાર્નનું ઉત્પાદન કરી ફેબ્રિકસ તેમજ રેડીમેડ ગારમેન્ટ બનાવીને વિદેશમાં એક્ષ્પોર્ટ કરવું પડશે. સુરતની પ્રોડકટની ઓળખ વિશ્વભરમાં થાય અને ૮૪ દેશોમાં તેનું એક્ષ્પોર્ટ થઇ શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ સાથે જોડાવવા માટે યાર્નના ડિલરોને અનુરોધ કરવામાં આવ્યો હતો. યાર્નના ડિલરોએ ચેમ્બરના મિશન ૮૪માં જોડાવવા તેમજ આ પ્લેટફોર્મ પરથી એક્ષ્પોર્ટ વધારવા માટે સહમતિ દર્શાવી હતી.
આ ઉપરાંત યાર્નના તમામ ઘટકોને જે કોઇપણ સમસ્યા નડતી હોય તો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને રજૂઆત કરી તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા ચેમ્બર સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી ચેમ્બરના પ્રમુખે તેઓને આપી હતી. ત્યારબાદ યાર્નના ડિલરો દ્વારા ઘણા પ્રશ્નોની મૌખિક રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સને કરવામાં આવી હતી, આથી ચેમ્બરે તેઓને લેખિતમાં પ્રશ્નો આપવા માટે અનુરોધ કરી ચેમ્બરના પ્લેટફોર્મ પરથી તેના નિરાકરણ માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.