ચેમ્બર દ્વારા ‘મહા સ્વચ્છતા અભિયાન’હાથ ધરાયું
સ્વચ્છતા મહા અભિયાન થકી મહાત્મા ગાંધીના મૂલ્યોને નવી પેઢી સુધી લઈ જવાનો પ્રયાસ કરવાનો છે, લોકો માત્ર પોતાના પરિસરને સ્વચ્છ રાખે તો પણ આખો દેશ સ્વચ્છ થઈ જાય તેમ છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિની આગલી પ્રભાતે, રવિવાર, તા. ૧લી ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૮:૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં ‘મહા સ્વચ્છતા અભિયાન’હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, ગૃપ ચેરમેનો, મેનેજિંગ કમિટીના સભ્યો તથા ઔદ્યોગિક સંગઠનોના આગેવાનો અને ચેમ્બરના સ્ટાફ કર્મચારીઓ જોડાયા હતા.
‘મહા સ્વચ્છતા અભિયાન’માં જોડાયેલા તમામે ચેમ્બર પરિસરમાં સાફ સફાઇ કરીને પોતાના ઘર, ઓફિસ પરિસર, ઔદ્યોગિક એકમો, શેરી મહોલ્લો, એપાર્ટમેન્ટ, સોસાયટી તેમજ શહેરને તથા તેના થકી આખા દેશને સ્વચ્છ રાખવાનો અન્યોને સંદેશો આપ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા મહા અભિયાન થકી મહાત્મા ગાંધીના મૂલ્યોને નવી પેઢી સુધી લઈ જવા પ્રયાસ કરવાનો છે. સ્વચ્છતા જીવનના દરેક ભાગ સાથે વણાયેલી બાબત છે. સારા આરોગ્ય માટે પણ સ્વચ્છતા જાળવવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ વારંવાર સ્વચ્છતાનો સંદેશો આપે છે અને નાગરિકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે, આથી બધાએ વડાપ્રધાનની સ્વચ્છતા અંગેની અપીલને અનુસરવી જોઇએ.
વધુમાં તેમણે કહયું હતું કે, લોકો માત્ર પોતાના પરિસરને સ્વચ્છ રાખે તો આખો દેશ સ્વચ્છ થઈ જાય તેમ છે. એના માટે દૃઢ મનોબળ સાથે આદત સુધારવાની જરૂર છે. ફિઝિકલની સાથે મનની પણ સ્વચ્છતા થાય તે દિશામાં આગળ વધીએ. સ્વચ્છતા વિષે મે મારી ફરજ બજાવી એવો સંદેશો જવો જોઇએ એવી અપીલ તેમણે બધાને કરી હતી.
માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ ‘મહા સ્વચ્છતા અભિયાન’હેઠળ સ્વચ્છતાની દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧લી ઓકટોબરથી ૧પ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન આયોજિત થનારા ‘સ્વચ્છતા પખવાડિયું’વિષે માહિતી આપી હતી. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન શહેરની અનેક શાળાઓ, ઔદ્યોગિક એકમો, ઔદ્યોગિક વસાહતો, એપાર્ટમેન્ટ, સોસાયટી અને શેરી – મહોલ્લામાં હાથ ધરાનારા કાર્યક્રમની માહિતી આપી હતી.