ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ દેશના વિકાસમાં સહભાગી થઈએ: અપર મહાનિદેશક શમીમા સિદ્દીકી
સુરત શહેરના છાપરાભાઠા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત
સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિ
મહાનુભાવોને હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ, જાણકારી છેવાડાના લોકો સુધી પહોચાડવા સરકાર પ્રયત્નશીલ છે. જે અંતર્ગત આજે વિકસીત ભારત સંકલ્પ યાત્રા સુરત શહેરમાં છાપરાભાઠા વિસ્તારમાં પહોંચી હતી. જયાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પીઆઇબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ શમીમા સિદીકીએ જણાવ્યું હતું કે, સરકાર છેવાડાના લોકોને પણ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. જે માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાઓની જાણકારી આપના ઘર સુધી પહોચાડવા માટે જ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે લોકોને પોતાને લાગુ પડતી વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી આપણે દેશનાં વિકાસમાં સહભાગી બની શકીએ છીએ.
છાપરાભાઠામાં આયોજિત આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં આધાર, ઉજાલા, પીએમ સ્વનિધી, મેડિકલ ચેકઅપ જેવા ૧૭ જેટલા વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપસ્થીત લોકોએ ભારતને વિકસીત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવ પણ વર્ણવ્યા હતા.
આ પ્રસંગે શહેરનાં પ્રથમ નાગરિક દક્ષેશભાઈ માવાણી, વોર્ડ નં. 1 ના કોર્પોરેટર, તેમજ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતાં.