કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે વરાછા વોટર વર્કસથી કલાકુંજ થઈ શ્રી રામનગર સોસાયટીને જોડતા બ્રિજના ફેઝ-૩નું લોકાર્પણ કરાયુંઃ
ત્રણેય ફેઝમાં કુલ ૧૬૭.૯૮ કરોડના ખર્ચે બ્રિજ નિર્મિત થયો છે જેનાથી ૭ લાખથી વધુ લોકોને સીધો ફાયદો થશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોન વિસ્તારમાં નિર્મિત ચિકુવાડી વરાછા વોટર વર્કસથી કલાકુંજ થઈ શ્રી રામનગર સોસાયટીને જોડતા રૂા. ૪૯.૪૮ કરોડના ખર્ચે નિર્મિત થયેલા બ્રિજના ફેઝ-૩નું કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે લોકાર્પણ થયું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, દિવાળી પહેલા શહેરની જનતાને નવા બ્રિજની ભેટ મળી છે જે અભિનંદનીય છે. બ્રિજના નિર્માણથી વરાછારોડની સ્થાનિક જનતાને વાહનવ્યવહારમાં ખુબ જ સરળ બનશે. મહાનગરપાલિકાની આગોતરા આયોજનના પરિણામે માર્ગ પરિવહન વધુ સહજ અને સરળ બન્યું છે.
બ્રીજની કામગીરીની વિગતો જોઈએ તો ફેઝ-૧માં ખાડી બ્રીજ રૂા.૩.૫૦ કરોડના ખર્ચે ૩૦.૦૦ મીટરનાં કલાકુંજ સોસાયટીને લાગુ માર્ગ (વરાછા મેઈન રોડને સમાંતર) ઉપર ખાડી બ્રીજની લોકાર્પણ વિધી એપ્રિલ-૨૦૨૧માં થઈ હતી. ત્યારબાદ મોટા વરાછાથી વરાછા વોટર વર્ક્સ સુધીના ફેઝ—૨ અંતર્ગત રીવર બ્રીજની કામગીરી રૂા.૧૧૫ કરોડ ખર્ચે પૂર્ણ થતા મે-૨૦૨૨માં લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો. હાલમાં રૂા. ૪૯.૪૮ કરોડના ખર્ચ વરાછા વૉટર વર્ક્સ થી કલાકુંજ થઇ શ્રી રામનગર સોસાયટીને જોડતા બ્રીજના ફેઝ-૩ ની કામગીરી પૂર્ણ થતા બ્રિજને ખુલ્લો મુકાયો છે. આમ ત્રણેય ફેઝમાં કુલ ૧૬૭.૯૮ કરોડના ખર્ચે બ્રિજ નિર્મિત થયો છે. જેનાથી અંદાજીત ૭ લાખથી વધુ લોકોને લાભ થશે.
આ પ્રસંગે વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર), ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, SMC કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરઓ તેમજ અગ્રણીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.