SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪
ર૧મી ઓકટોબરે SGCCIના ૮૪મા સ્થાપના દિને ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ કરવામાં આવશે
કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વ્યાપારિક દૃષ્ટિએ ૧૬મી અને ૧૭મી સદીમાં સુરત આખા વિશ્વમાં ઘણું જાણીતું થઇ ગયું હતું. કારણ કે તે સમયે વેપારીઓ દરિયાઇ માર્ગે સુરતમાં વ્યાપાર કરવા માટે આવતા હતા. ૧૭મી સદીમાં જર્મન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, બ્રિટીશ વગેરે વેપારીઓ સુરત આવ્યા હતા. તે સમયે અમેરિકન વેપારીઓને કોટન જોઇતું હતું, જે સુરત તેઓને પૂરુ પાડતું હતું. સુરતમાં તે સમયે કોટન ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ હતી. એટલે સુરતથી તેઓને કોટન એક્ષ્પોર્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ સુરત ખાતે એમ્બ્રોઇડરી, જરી અને જરદોશી વર્ક થવા લાગ્યું હતું. સુરત ખાતે પારસી સ્ટાઇલમાં જરદોશી થતું હતું.
૧૬મી સદીમાં સુરતમાં ર લાખ લોકો વસવાટ કરતા હતા અને સુરતના ઘણા ઉદ્યોગ સાહસિકો અન્ય દેશોમાં જઇને વ્યાપાર કરતા હતા. સુરત તે સમયે આગ્રા, બુરહાનપુર, અમદાવાદની સાથે કનેકટેડ હતું. જ્યારે ઔરંગાબાદ અને હૈદરાબાદ થકી મછલીપટ્ટનમ સાથે જોડાયેલું હતું. આ રૂટથી મટિરિયલ્સ સુરત આવતું હતું અને સુરતમાં પ્રોડકટ બનતી હતી અને અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ થતી હતી. સુરત, બીજા પાસેથી મટિરિયલ ખરીદીને કપડું બનાવતું હતું અને ત્યારબાદ સુરતથી એક્ષ્પોર્ટ કરતું હતું. સુરતના બંદરે તે સમયે વર્ષે ૧૬૦૦થી ૧૭૧૦ જેટલા શીપ ચાલતા હતા. ૧૭મી સદીમાં સુરત એ ટ્રેડ સેન્ટર બની ગયું હતું અને જાપાન તથા અન્ય દેશો સાથે કનેકટેડ હતું.
સુરતના ઇતિહાસ પર એક નજર કરીએ તો સુરતના માધ્યમથી ગુજરાત અને ભારત સાથે વિશ્વના ૮૪ દેશો/બંદરોના વેપારીઓ ૧૬મી અને ૧૭મી સદીમાં વ્યાપાર કરતા હતા. તે સમયે ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ જુદા–જુદા પ્રકારના ફેબ્રિકસ અને મરી મસાલા સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. હવે તો ઘણી ટેકનોલોજી આવી ગઇ છે. સુરતના બંદરે, ૮૪ જેટલા દેશો/બંદરોના વાવટા ફરકતા હતા અને આખા ભારતમાં, સુરતમાં જ એક એવો તાલુકો છે કે જેનું નામ આંકડા પરથી પડયું છે અને એ ચોર્યાસી તાલુકા તરીકે ઓળખાય છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, સુરતનો નાતો ૮૪ નંબરથી રહયો છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ ૮૪મો સ્થાપના દિવસ છે. આ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ ૮૪માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, આથી ચેમ્બર ઓફ કોમર્સ, ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેનું લોન્ચીંગ ર૧મી ઓકટોબરે ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે કરાશે.
આ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં તેઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને જુદા–જુદા દેશોની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવામાં આવશે. એવી જ રીતે ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તથા વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ૮૪ જેટલા એમ્બેસેડરોને ઓનબોર્ડ કરવામાં આવશે.
મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ દેશોના કોન્સુલ જનરલોએ તથા તેઓના પ્રતિનિધિ મંડળોએ મુલાકાત લીધી હતી. એવી જ રીતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી સ્થિત તથા મુંબઇ સ્થિત વિવિધ દેશોના કોન્સુલ જનરલો સાથે મુલાકાત કરી તેઓની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને તેઓને એમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. આ તમામ કોન્સુલ જનરલોએ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી દ્વિપક્ષીય વ્યાપારને વધારવા માટે સાથે મળીને પ્રયાસ કરીશું તેમ જણાવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક સંગઠનો જેવા કે FICCI, ASSOCHAM અને CII વિગેરે સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી અને તેઓએ પણ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી છે. આ બધાની સાથે મળીને માર્કેટ રિસર્ચ અને પ્રોડકટ રિસર્ચ કરીને વ્યાપારને વધારવાનો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અન્ય દેશોમાંથી આયાત થતા પ્રોડકટનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું છે અને અન્ય દેશોમાં તેનું એક્ષ્પોર્ટ પણ કરવાનું છે. આ મિશનને લઇને ચેમ્બર ઓફ કોમર્સ આગળ વધી રહયું છે અને તે માટે સુરત અને સમગ્ર ભારતના ઇતિહાસને જાણી તેના અદ્ભુત વારસાને આગળ વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.
ર૧મી ઓકટોબરે દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે તથા વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન પ્રદાન કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે
ર૧મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ૮૪મા સ્થાપના દિવસે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણના ભાગ રૂપે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત આખા દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. શનિવાર, તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ પ્લેટિનમ હોલ, SIECC, સરસાણા, સુરત ખાતે સવારે ૧૦:૦૦ કલાકે C TO C એટલે કે ‘ચેમ્બર ટુ ચેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે અને એકબીજાને વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન – પ્રદાન કરશે. ત્યારબાદ બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન C TO M એટલે કે ‘ચેમ્બર ટુ મેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવામાં આવશે.
કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે
ર૧મી ઓકટોબરે સાંજે ૪:૩૦ કલાકે ભારતના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજી સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાશે. જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ વગેરે અન્ય ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાનો સ્વયંભૂ સંકલ્પ લેશે. અત્રે નોંધનીય છે કે, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં, કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લીધો હતો. એવી રીતે કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.