ડાયમંડ ઇન્વેસ્ટમેન્ટ નથી પણ એકસપિરીયન્શલ છે, માઇન કરતા લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કેટ વધશે : લેબગ્રોન એકસપર્ટ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત અમેરિકાના લેબગ્રોન એકસપર્ટ અમિષ શાહ સાથે હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓની ઈન્ટરેકટીવ મિટીંગ યોજાઇ
લેબગ્રોન એકસપર્ટે ભવિષ્યમાં લેબગ્રોનમાં માર્જિન મર્યાદિત થઇ જશે તેમ જણાવી તેમાં વેલ્યુ એડ કરીને વેચવાની સલાહ હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓને આપી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ૧૧ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેબગ્રોન માર્કેટની જાણકારી આપવાના હેતુથી ઈન્ટરેકટીવ મિટીંગ યોજાઇ હતી, જેમાં અમેરિકાના લેબગ્રોન એકસપર્ટ તેમજ ALTR અને J’EVARના સ્થાપક અમિષ શાહે હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓને લેબગ્રોનમાં રહેલી તકો, તેની મુશ્કેલીઓ અને ભવિષ્ય વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ મિટીંગમાં અમેરિકાના અટલાન્ટા સ્થિત ચતુરભાઇ છભાયા પણ હાજર રહયા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની જીલ બાઇડનને સુરતમાં બનેલો ૭.પ કેરેટનો ‘ઇકો ફ્રેન્ડલી’લેબ – ગ્રોન ડાયમંડ ભેટ આપ્યો હતો. હાલમાં ભારત લેબગ્રોનમાં ૧પ ટકા માર્કેટ શેર ધરાવે છે. જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસનો રેશિયો ઘટી રહયો છે. જ્યારે લેબગ્રોનની નિકાસ ૩૮ ટકાથી ગ્રો થઇ રહી છે. સુરતથી હીરા એક્ષ્પોર્ટ થાય છે તેમાં ભારતમાં ૩થી પ ટકા ગ્રોસ વેલ્યુ એડીશન થાય છે. જ્યારે લેબગ્રોનમાં ૧૮થી ર૦ ટકા ગ્રોસ વેલ્યુ એડીશન થાય છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરી ભારતની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા હેતુ આ પ્રોજેકટના મહત્વ વિશે સમજણ આપી હતી.
લેબગ્રોન એકસપર્ટ અમિષ શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯પ૧માં જમીનની ઉપર લેબમાં પ્રથમ હીરો ઉગાડવામાં આવ્યો હતો. જૂન ર૦૦૬માં જ્યારે લેબગ્રોન ડાયમંડના દાગીનાનું પ્રદર્શન થયું હતું ત્યારે હીરા ઉગાવી શકાય અને ગ્રાહકો તેને સ્વીકારશે એવું કયારેય બનશે જ નહીં એવું તે સમયે લોકો કહેતા હતા. ત્યારબાદ જૂન ર૦૧૬માં લેબગ્રોન માર્કેટમાં આવ્યો હતો અને હવે લોકો તેને ધીરે ધીરે સ્વીકારી રહયા છે. વર્ષ ર૦૧૮માં ફેડરલ ગવર્નમેન્ટે સ્વીકાર્યું હતું કે જમીનમાંથી આવે એ અને જમીન ઉપર લેબમાં ઉગાડવામાં આવે એ બંનેને હીરા જ કહેવાય છે.
અમેરિકામાં લેબગ્રોનનું ૧ર બિલિયન યુએસ ડોલરનું માર્કેટ છે અને તેમાં દર વર્ષે ૩૮ ટકાનો ગ્રોથ થઇ રહયો છે. અમેરિકામાં દર ૧૦૦માંથી પ૦ જણા લેબગ્રોન પહેરે છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૧માં લેબગ્રોનમાં ર૦ ટકા, વર્ષ ર૦ર૩ના અંત સુધીમાં પ૦ ટકા, વર્ષ ર૦ર૪માં ૬૦ ટકા અને વર્ષ ર૦રપમાં ૮૦ ટકા ગ્રોથ જોવા મળશે. ૮પ ટકા લેબગ્રોન અમેરિકા જઇ રહયો છે. અમેરિકામાં ૩૩૦ મિલિયન લોકો રહે છે અને તેમાંથી ર.પ૦ મિલિયન લેબગ્રોન પહેરે છે. લેબગ્રોન ઇન્ડસ્ટ્રીની સફળતા માટે કસ્ટમર એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે.
અમિષ શાહે જણાવ્યું હતું કે, લેબગ્રોનના સ્માર્ટ પ્રોડયુસરને કન્ઝયુમર માટે લેબગ્રોનમાં વેલ્યુ એડ કરવાની રહેશે. ગ્રાહકો બદલાઇ રહયા છે ત્યારે તેઓને એજ્યુકેટેડ કરવા પડશે. સુરતના ઉદ્યોગકારો હીરા પોલિશ્ડ કરીને વેચે છે, પરંતુ અમેરિકામાં રિટેઇલમાં તેનું માર્જિન ૬પ ટકા થઇ જાય છે. અત્યારે ભારતમાંથી વેલ્યુ બહાર ટ્રાન્સફર થઇ રહી છે ત્યારે સુરતમાં જ ડાયમંડ જ્વેલરી બનાવીને વેચવામાં આવશે ત્યારે તેમાં વેલ્યુ એડ થશે.
તેમણે લેબગ્રોનના ભવિષ્ય વિશે વાત કરતા કહયું હતું કે, લેબગ્રોનમાં અમર્યાદિત સપ્લાય થવાનો છે, આથી તેમણે લેબગ્રોનના ઉત્પાદકોને હીરાને વિવિધ શેપ્સ આપી તેની જ્વેલરી ડિઝાઇન કરી વેચવાની સલાહ આપી હતી. હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓ દ્વારા અત્યારે ટેકનોલોજીમાંથી બનેલા હીરા (લેબગ્રોન)ને પ્રોડકટ તરીકે વેચવામાં આવી રહયો છે, પરંતુ ભવિષ્યમાં લેબગ્રોનમાં માર્જિન મર્યાદિત થઇ જશે, આથી તેમાં વેલ્યુ એડ કરીને જે વેચશે તે જ ઇન્ડસ્ટ્રીમાં ટકી શકશે. ડાયમંડ ઇન્વેસ્ટમેન્ટ નથી પણ એકસપિરીયન્શલ છે અને ભવિષ્યમાં માઇન કરતા લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કેટ વધવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને હીરાના ઉદ્યોગકારો – વેપારીઓ મિટીંગમાં હાજર રહયા હતા. માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ લેબગ્રોન એકસપર્ટ અમિષ શાહનો પરિચય આપ્યો હતો. માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે સર્વેનો આભાર માન્યો હતો. જ્યારે મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટે સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું. મિટીંગમાં ઉપસ્થિત હીરા ઉદ્યોગકારો અને વેપારીઓના લેબગ્રોન ડાયમંડ સંબંધિત વિવિધ પ્રશ્નોના વકતાએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.