સુરતના પનાસ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(KVK)ના નવા વહીવટી ભવનનું લોકાર્પણ
નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડૉ. ઝીણાભાઈ પટેલ અને ATARIના ડાયરેક્ટર એસ.કે.રૉયના હસ્તે નવા ભવનને ખૂલ્લું મૂકાયું
વિવિધ સ્ટોલ દ્વારા નેચરલ ફાર્મિંગ અને મિલેટ્સને પ્રોત્સાહન આપતા પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન
કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનારા ૨૦ ખેડૂતોને મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન
સુરતના પનાસ ગામ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(KVK)ના નવનિર્મિત વહીવટી નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડૉ. ઝીણાભાઈ પટેલ અને ATARI (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ)ના ડાયરેક્ટર એસ.કે.રૉયના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અહીં નેચરલ ફાર્મિંગ અને મિલેટ્સને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રદર્શન સહ વેચાણનું પણ આયોજન કરાયું હતું. સાથોસાથ, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનારા ૨૦ ખેડૂતોને મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડૉ. ઝીણાભાઈ પટેલે કૃષિ ક્ષેત્રે કિસાનોની સહાયતા માટે KVKનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ગામમાંથી શહેરોમાં સ્થળાંતર કરીને વસવાટ કરતા અને ખેતીવિમુખ થઈ રહેલા ખેડૂતોને કૃષિક્ષેત્રથી જોડાયેલા રાખવાનું મહત્વનું કાર્ય KVK ના માધ્યમથી થઈ રહ્યું છે. અહીં ખેડૂતોની સાથોસાથ સામાન્ય નાગરિકોને કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન વિષે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવે છે, તેમજ લોકોને ઓર્ગેનિક ખેતી અને ખેતપેદાશો વિષે જાગૃત કરી યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહન આપવામાં આવે છે.
ડૉ. પટેલે ખેડૂતોને બિયારણ, પાક, જમીન કે ખાતર સંબંધિત પ્રશ્નો-સમસ્યાઓનું નિરાકરણ કરવા KVK અને વૈજ્ઞાનિકો હરહંમેશ કટિબધ્ધ હોવાનું જણાવ્યુ હતું.
આ પ્રસંગે ATARIના ડાયરેક્ટર એસ.કે.રોયે દરેક જિલ્લાઓમાં કૃષિ ક્ષેત્રે મહત્વની કામગીરી કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સમજ આપી KVK ને કૃષિ ક્ષેત્રમાં પ્રવેશતી તમામ નવીન ટેકનોલોજી ખેડૂતોને વધુ સક્ષમ અને જાગૃત્ત બનાવી રહી હોવાનું જણાવ્યું હતું. KVK દ્વારા ખેડૂતોને મળતા સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ વિષે જણાવી દરેકને તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો માટે કાર્યરત સરકાર માન્ય ‘કિસાન સારથિ’ ડિજિટલ પ્લેટફોર્મની ચર્ચા કરી તેના દ્વારા થતી સફળ કામગીરીની સરાહના કરી હતી. આ પ્રસંગે KVKની પશુપાલન અંગેની પુસ્તિકા તેમજ ન્યૂઝલેટર સહિત ૩ નવા પ્રકાશનોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.
આ કાર્યક્રમમાં સંશોધન નિયામક ડૉ.ટી.આર.અહલાવત, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.એન.એમ.ચૌહાણ, સંયુક્ત ખેતી નિયામક કિરીટભાઈ પટેલ, KVK ના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, ઓલપાડ તાલુકા સંઘના જયેશભાઈ પટેલ, સંયુક્ત બાગાયત નિયામક એચ.એન.ચાવડા, આત્માના પ્રોજેકટ ડાયરેક્ટ એન.જી. ગામિત, સુરત ડિ.કો.ઓપ. બેંકના બી. કે. પરમાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, રિસર્ચ સ્ટેશનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.