ભારતના પ્રાચીન કલા વારસાનો પરિચય કરાવવાના હેતુથી સુરતમાં ‘કથ્થક યાત્રા’નો સુરત સંસ્કરણ કાર્યક્રમ યોજાયો
નવી દિલ્હી, અમદાવાદ અને નાસિકના ખ્યાતનામ કલાકારો દ્વારા કથ્થક નૃત્યની મનોહર પ્રસ્તુતિ
યુવા કથ્થક કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમને દેશભરના અન્ય કલાકારો સાથે જોડવાનો કથ્થક યાત્રા ઉદ્દેશ્ય
કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના કથ્થક કેન્દ્ર-નવી દિલ્હી, સંગીત નાટક અકાદમી દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીની પંકજ કાપડિયા સાર્વજનિક કૉલેજ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ(SCOPA)ના સહયોગથી સાર્વજનિક યુનિ., પી.ટી. સાયન્સ કોલેજના તારામતી હોલમાં આયોજિત ‘કથ્થક યાત્રા’ના ભાગરૂપે સુરત કથ્થકનો સંસ્કરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આપણા પ્રાચીન કલા વારસાનો પરિચય કરાવવાના હેતુથી નવી દિલ્હી, અમદાવાદ અને નાસિકના ખ્યાતનામ કલાકારો દ્વારા કથ્થક નૃત્યની મનોહર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
દિલ્હીના કથ્થક નૃત્યકાર શિખા શર્મા- (દિલ્હી), ભક્તિ દેશપાંડે -(નાસિક), કદમ પરીખ અને રૈના પરીખ- (અમદાવાદ) દ્વારા કથ્થક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. નૃત્યો દ્વારા કલાકારોએ વિવિધ નૃત્યની અંગ ભંગિમા દ્વારા ઈશ્વરની આરાધના, કથ્થક નૃત્યનો સમૃદ્ધ ઈતિહાસ, આપણી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવી હતી.
રાંચી, મથુરા સહિતના શહેરોમાં આયોજિત કથ્થક યાત્રા સુરત આવી પહોંચી હતી. જેનો ઉદ્દેશ્ય યુવા કથ્થક કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમને દેશભરના અન્ય કલાકારો સાથે જોડવાનો છે એમ કથ્થક કેન્દ્ર-નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. પ્રણામી ભગવતીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ ભરતભાઈ શાહ, સ્કોપા કોલેજના ચેરમેન અને દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કેતન દેસાઈ, મનપાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ દેસાઈ, થાઈ ટ્રેડ ઓફિસના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર મિસ. સુનચાવી, ડો. પુષ્પ ભાર્ગવ (ન્યૂઝીલેન્ડ), સ્કોપા કોલેજના પ્રિન્સિપાલ ડો. શિખા સોમૈયા, રાકેશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ કથ્થક નૃત્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો.