HomeBusiness'IPO Preneurs 3.0' Programme/શહેરના ૧૩ ઉદ્યોગ સાહસિકોએ કાર્યક્રમમાં આઈપીઓ લાવવા માટે સંકલ્પ...

‘IPO Preneurs 3.0’ Programme/શહેરના ૧૩ ઉદ્યોગ સાહસિકોએ કાર્યક્રમમાં આઈપીઓ લાવવા માટે સંકલ્પ લીધો/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘આઈપીઓપ્રિન્યોર્સ 3.0’ કાર્યક્રમ યોજાયો

શહેરના ૧૩ ઉદ્યોગ સાહસિકોએ કાર્યક્રમમાં આઈપીઓ લાવવા માટે સંકલ્પ લીધો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર, તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ કલાકે સમસ્ત પાટીદાર સમાજ હોલ, કતારગામ, સુરત ખાતે ‘આઈપીઓપ્રિન્યોર્સ 3.0’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સીએ યોગેશ જૈન, માર્કેટ હબ સ્ટોક બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર પ્રદિપ કાનાણી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડના ડાયરેક્ટર અને કો-ફાઉન્ડર મિલન પરીખે ઉદ્યોગકારોને આઇપીઓ લાવવા માટેના વિવિધ તબકકાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘આઈપીઓ વર્તમાન યુગમાં સૌથી વધુ યોગદાન આપી રહેલા ક્ષેત્રોમાંથી એક છે. ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકો માટે આઈપીઓ એક આશીર્વાદ રૂપ છે. નાણાંકીય સધ્ધરતા આપવામાં આઈપીઓ એક મહત્વનું સ્થાન ધરાવે છે, તેથી ઉદ્યોગ સાહસિકો તે વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવે તે જરૂરી છે.

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતીઓ સાહસિક છે, મહેનતુ છે એટલે તેમણે આઈપીઓ વિશે વધુ જ્ઞાન મેળવી પોતાના બિઝનેસને એક ઊંચાઈ સુધી લઈ જવાનું છે. મૂડીમાં વધારો થતા બિઝનેસ કરવામાં થોડી સરળતા મળે છે, જેથી ઉદ્દભવતી નાની-મોટી સમસ્યાનું નિરાકરણ કરવું વહેલી તકે શક્ય બને છે.’

બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સીએ યોગેશ જૈને ઉદ્યોગ સાહસિકો સમક્ષ આઈપીઓ વિશેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકારે MSME હેઠળ આવતા ઉદ્યોગ સાહસિકો માટે ૫ લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જે હેઠળ આઈપીઓ લાવતી કંપનીને આઈપીઓ લાવવાના ખર્ચમાં ૫ લાખ રૂપિયાની સહાયતા સરકાર આપે છે.’ આઈપીઓમાં બિઝનેસ લિસ્ટિંગ કર્યા બાદ ઉદ્યોગ સાહસિકોને બિઝનેસને આગળ વધારવામાં મદદ મળે છે. આઈપીઓ થકી બિઝનેસ એક બ્રાન્ડ બનવાની દિશામાં પગલું મૂકે છે. સીએ યોગેશ જૈને દેશભરમાં આઈપીઓ થકી કંપનીઓને થયેલા લાભ વિશે માહિતી આપી હતી અને આઈપીઓ બાદ સફળ થયેલા કંપનીઓના ઉદાહરણ પ્રસ્તુત કર્યા હતા.

માર્કેટ હબ સ્ટોક બ્રોકિંગ પ્રાઈવેટ લિ.ના ડાયરેક્ટર પ્રદિપ કાનાણીએ જણાવ્યું હતું કે, ‘સમાજમાં આઈપીઓ અંગે જાગૃતતા લાવવાની જરૂર છે. માર્કેટ મેકિંગને સમજી યોગ્ય રીતે પ્રમોટર કાર્ય કરે તો નિશ્ચિત સફળ થાય છે. તમે કોઈ પણ મર્ચન્ટ બેંકર સાથે કામ કરો પણ માર્કેટ મેકિંગ માટે યોગ્ય સ્ટોક બ્રોકિંગ કંપનીનો સંપર્ક સાધવો જોઈએ. આગામી સમયમાં વેલ્થ ક્રિએશનની અનેક સગવડો ઊભી છે. આથી આઈપીઓ લાવવા માટે આ સૌથી સારો સમય છે.’

જૈનમ બ્રોકિંગ લિમિટેડના ડાયરેક્ટર અને કો-ફાઉન્ડર મિલન પરીખે જણાવ્યું હતું કે, ‘સ્ટોક માર્કેટ ઈક્વિટીનું રોકાણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. હાલમાં નેટવર્કની સાથે નેટવર્થ પણ વધારવાની જરૂર છે. પોતાની સાથે પોતાના બિઝનેસ અને પોતાના પ્રોડક્ટ પર વિશ્વાસ મૂકવો મહત્વનું છે.’

નેશનલ સ્ટોક એક્સચેન્જના સીનિયર મેનેજર સીએ ચેતન વ્યાસ, મનહર સાસપરા, ઘનશ્યામ લુખી, નિશિથ લાખાણી, ભરત લિંબાણી અને ભાવિન શાહે પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ પ્રશ્નોત્તરી સેશન યોજાયું હતું. જેમાં પેનાલીસ્ટોએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

કાર્યક્રમમાં સફળતા પૂર્વક માર્કેટમાં આઈપીઓ લાવનાર પટ્ટેક ફિટવેલ ટ્યુબ કમ્પોનેન્ટસ લિ. અને શૂરા ડિઝાઈન્સ પ્રાઈવેટ લિ.ના સંસ્થાપકને સન્માનિત કરાયા હતા. સાથે જ કાર્યક્રમમાં ૧૩ કંપનીઓએ માર્કેટમાં આઈપીઓ લાવવા માટે સંકલ્પ લીધો હતો. જેમાં એપ્પલ લાઈફસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ લિ., સેલ ફોર્સ પાવર પ્રા. લિ., આઈબીએલ ફાયનાન્સ પ્રા. લિ., મેડાર્ટ ટેક્નોલોજી પ્રા. લિ., ન્યુટ્રા હેલ્થકેર પ્રા. લિ., પેટ્સન ફૂડસ (ઈન્ડિયા) પ્રા.લિ., પોલિસિલ ઈરીગેશન સિસ્ટમ પ્રા.લિ., સપ્તમ પોલીફિલ્મ્સ પ્રા. લિ., સ્કેપ ટેક્નો ફેબ લિ., શ્રી રાધે ડેરી, સોહમ ઈન્ડસ્ટ્રીઝ લિ., ઝીલ ફાર્માક્યોર પ્રા.લિ. અને એલાયન્સ ફાઈબર્સ લી.ના સંસ્થાપકોએ આઈપીઓ લાવવા માટે સંકલ્પ લીધો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ચેમ્બરની આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શૈલેષ દેસાઇ તથા પપ૦થી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમમાં સન્માન સમારોહનું સંચાલન કર્યું હતું. માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે સર્વેનો આભાર માન્યો હતો. ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ કાર્યક્રમની થીમ વિશે માહિતી આપી હતી. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ કમિટીના કો–ચેરમેન ડો. રાકેશ દોશીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ત્રણેય વકતાઓએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Latest stories