ચેમ્બર ઓફ કોમર્સે મિશન ૮૪ અંતર્ગત દુબઇ ખાતે કેસીઆઇ ગૃપની સાથે મિટીંગ કરી
વિશ્વના જુદા–જુદા દેશોમાં નેટવર્ક ધરાવતી ટ્રેડીંગ ઓર્ગેનાઇઝેશન કેસીઆઇ ગૃપે સુરતના ઉદ્યોગકારો માટે ઇન્ટરનેશનલ બિઝનેસ ઇન્કવાયરી ફોરવર્ડ કરવાની ખાતરી આપી
સુરતના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય વેપારની તકો વધશે, મિશન ૮૪ અંતર્ગત ઉદ્યોગ સાહસિકોને એક્ષ્પોર્ટ માટેની તકો મળી રહેશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોની મુલાકાતાર્થે દુબઇ પ્રવાસે છે. સોમવાર, તા. 27 નવેમ્બર, 2023 ના રોજ ચેમ્બર પ્રમુખે દુબઇ ખાતે વિશ્વના જુદા–જુદા દેશોમાં નેટવર્ક ધરાવતી ટ્રેડીંગ ઓર્ગેનાઇઝેશન કેસીઆઇ ગૃપના ચેરમેન બેન નોફલર, એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સીએફઓ ઝીશાન શકીલ ઝીલી અને એકઝીકયુટીવ ડાયરેકટર (બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ સેલ્સ) ઓલ્ગા પરસુકોવા સાથે મિટીંગ કરી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ કેસીઆઇ ગૃપના પ્રતિનિધિઓને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રોજેકટ અંતર્ગત એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સે બનાવેલા ઓનલાઇન ઈન્ટરનેશનલ પોર્ટલ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે આ પોર્ટલ પર ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવાની બાબત પણ સમજાવી હતી. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પોર્ટલ પર લાવવા વિશે જાણકારી આપી હતી.
મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોમાં રહેલી તકો તથા ત્યાંના કાયદા અને નિયમો વિશે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે, જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે થઇ રહેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે કેસીઆઇ ગૃપના ચેરમેન સહિતના પ્રતિનિધીઓને વાકેફ કર્યા હતા.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, દુબઇનું કેસીઆઇ ગૃપ વિશ્વના જુદા–જુદા દેશોમાં નેટવર્ક ધરાવતી ટ્રેડીંગ ઓર્ગેનાઇઝેશન છે. ઇન્ટરનેશનલ ટ્રેડીંગ એન્ડ ટ્રેડ કન્સલ્ટીંગ માટે જાણીતું આ ગૃપ વિશ્વભરમાં પ્રોડકશન, માઇનીંગ, પ્રોસેસિંગ, રિસાયકલીંગ એન્ડ ટ્રેડીંગમાં કાર્યરત છે. આ ગૃપ ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત જોડાયેલા ઉદ્યોગકારોને તેમજ સભ્યોને આંતરરાષ્ટ્રીય વેપાર માટેની ઇન્કવાયરી ફોરવર્ડ કરશે, જેના માધ્યમથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય વેપારની તકો વધશે. ખાસ કરીને મિશન ૮૪ અંતર્ગત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને એક્ષ્પોર્ટ માટેની નવી તકોની માહિતી મળી રહેશે.
વધુમાં ચેમ્બર પ્રમુખે કેસીઆઇ ગૃપના ચેરમેન સહિતના પ્રતિનિધીઓને દુબઇના ઉદ્યોગકારો સાથે સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઉદ્યોગોની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો કેસીઆઇ ગૃપે સહર્ષ સ્વીકાર કર્યો હતો. સાથે જ કેસીઆઇ ગૃપના ચેરમેન બેન નોફલરે ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ની સાથે જોડાઇ બે દેશો વચ્ચેના વેપારને વધારવા માટે પ્રયાસ કરવા સહયોગ આપવાની ખાતરી આપી હતી.