HomeBusiness"International Standards Day"/‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’/India News Gujarat

“International Standards Day”/‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’/India News Gujarat

Date:

તા.૧૪ ઓક્ટો.-‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’

કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS દ્વારા સુરત ખાતે માનક દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો

 સ્થિર અને અવિરત ઉત્પાદકતા અને ગુણવત્તાથી જ આત્મનિર્ભરતા સંભવ
 સુરતનો કાપડ ઉદ્યોગ સ્ટાન્ડર્ડ જાળવવાના કારણે જ તેજ ગતિથી વિકસ્યો છે
 કોરોનાના કપરા સમય બાદ લોકોને ‘સ્ટાન્ડર્ડ હેલ્થ’નું મહત્વ સમજાયું :- કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ

ભારતમાં ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ચાવીરૂપ ભૂમિકા: BIS-સુરતના ડિરેક્ટર એસ.કે સિંહ

સુરતમાં ૧૨૧૦ જેટલા BIS લાયસન્સ ધારકો અને ૩૦૩૪ જેટલા હોલમાર્ક ધારક જ્વેલર્સ
દેશભરમાં BIS લાયસન્સની સંખ્યા ધરાવતા ૪૨ હજાર એકમો: ૩૦,૦૦૦ થી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે
ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવતા બીઆઈએસ ધારકો, BIS પ્રવૃત્તિઓમાં મહત્વનું પ્રદાન કરનારા કર્મયોગીઓને સન્માનિત કરાયા

વિશ્વમાં દર વર્ષે તા.૧૪ ઓક્ટોબરના રોજ ‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’ ઉજવવામાં આવે છે. જેના ઉપલક્ષ્યમાં BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) દ્વારા સુરત ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને જ્ઞાનવર્ધક સેમિનાર યોજાયો હતો, આ કાર્યક્રમમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવતા બીઆઈએસ ધારકો, BIS પ્રવૃત્તિઓમાં મહત્વનું પ્રદાન કરનારા રિસોર્સ પર્સન્સ, મેન્ટરો અને સરકારી અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં માનકોના મહત્વ પર નિષ્ણાત વક્તાઓએ ઉપયોગી સમજ આપી હતી.
વર્ષ ૨૦૨૩માં ‘બહેતર વિશ્વ માટે સૌનો સહભાગી દ્રષ્ટિકોણ’ની થીમ પર આયોજિત આ સેમિનારમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને ગુણવત્તાયુક્ત ઉત્પાદન, પર્યાવરણ, સમગ્ર ઈકોસિસ્ટમને નુકસાન કર્યા વિના ટકાઉ અને સતત વિકાસથી સાકાર કરી શકાશે. સ્થિર અને અવિરત ઉત્પાદકતા અને ગુણવત્તાથી જ આત્મનિર્ભરતા સંભવ છે. સુરતનો કાપડ ઉદ્યોગ સ્ટાન્ડર્ડ જાળવવાના કારણે જ તેજ ગતિથી વિકસ્યો છે.
મંત્રીએ કહ્યું કે, કોરોનાના કપરા સમય બાદ લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ અને ખાસ કરીને ‘સ્ટાન્ડર્ડ હેલ્થ’નું મહત્વ સમજાયું છે. દેશમાં આરોગ્ય સેવાઓ પણ બહેતર બનાવવામાં આવી રહી છે, જેથી કોરોના જેવી મહામારીનો મક્કમતાથી સામનો કરી શકાય. તેમણે સુરત મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ ટ્રિપલ એન્જિનની સરકારના કારણે વિકાસનું નવું પરિમાણ મળ્યું છે, ત્યારે તમામ ક્ષેત્રોમાં ગુણવત્તા જાળવવા આ ટ્રિપલ એન્જિન સહયોગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
BIS સુરતના ડિરેક્ટર અને અધ્યક્ષ એસ.કે.સિંહે જણાવ્યું હતું કે, ગ્રાહકો, ઉદ્યોગ એકમો, જાહેર અને ખાનગી સાહસો માટે વિશ્વ માનક દિને વિશેષ જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવે છે, અને ટકાઉ વિકાસ માટેના પ્રયાસોમાં યોગદાન આપવાની પ્રેરણા આપવામાં આવે છે. ભારતમાં ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ચાવીરૂપ ભૂમિકા છે એમ જણાવી એસ.કે.સિંહે ઉમેર્યું કે, સુરતમાં ૧૨૧૦ જેટલા BIS લાયસન્સધારકો અને ૩૦૩૪ જેટલા હોલમાર્કધારકો સાથે દેશભરમાં BIS લાયસન્સની સંખ્યા ધરાવતા ૪૨ હજાર એકમો છે. ૩૦,૦૦૦ થી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે.
સુરતની BIS શાખા કચેરી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણને તેમજ મહારાષ્ટ્રના ધુલિયા અને નંદુરબાર માટે પ્રમાણીકરણની કામગીરી કરે છે એમ પણ તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના સિન્ડીકેટ સભ્ય અને નવી સિવિલ ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામાએ આરોગ્ય વિષયક જાણકારી આપતા જણાવ્યું હતું કે, શારીરિક, માનસિક અને સામાજિક રીતે ખુશ રહેવું એ શ્રેષ્ઠ તંદુરસ્તી છે. હાલ નાની વયે હાર્ટ એટેકના કેસો વધ્યા છે, જેના મૂળમાં અનિયમિત ઉંઘ અને આહાર, અનિયમિત જીવન શૈલી, રાતે મોડા સુધી જાગવું, અપૂરતી ઊંઘ, બજારના ખાનપાનનો વધતો ઉપયોગ જવાબદાર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
ઓ.એચ. નાઝર આયુર્વેદિક કોલેજના પ્રો.ડો. વિપુલ ડી. પાટીલે આદર્શ દિનચર્યા, આરોગ્ય જાળવતી ઉત્તમ જીવનશૈલી પર પ્રકાશ પાડ્યો હતો. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT) કોલેજના પ્રો.કૃપેશ ચૌહાણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન બિલ્ડીંગ અંગે વિચારો રજૂ કર્યા હતા.
IIIT-સુરતના ડિરેક્ટર જે.એસ,ભટ્ટએ ઘર એ આપણા જીવનની પ્રથમ શાળા છે. ઘર અને શાળામાંથી જ જીવન ઘડતર, યોગ્ય અને ગુણવત્તાયુક્ત જીવન જીવવાના મૂલ્યો અને પાઠ શીખવા મળે છે એમ જણાવ્યુ હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નવસારીના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહ, નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, બી.આઈ.એસ.-સુરતના જોઈન્ટ ડિરેક્ટર્સ સર્વ સૃષ્ટિ દીક્ષિત અને સત્યેન્દ્ર પાંડે, બીઆઈએસ ધરાવતા યુનિટો અને જાગૃત્ત ઉદ્યોગકારો, બીઆઈએસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories