તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે
૪૫ વર્કશોપ, ૩૫ થિયરી રૂમ, વહીવટી ઓફિસ, સેમિનાર હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાયર સેફટી, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સુસજ્જ નવું બિલ્ડિંગ
આગામી તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. જેમાં રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્થા(ITI)ના નવા મકાનનું ઈ-લોકાર્પણ થશે. ૧૫૯૪૬ ચો.મી.માં ગ્રાઉન્ડ+ચાર માળમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ૪૫ વર્કશોપ, ૩૫ થિયરી રૂમ, વહીવટી ઓફિસ, સેમિનાર હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાયર સેફટી, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
થિયરીની સાથે પ્રાયોગિક જ્ઞાન આપવા આધુનિક મશીનરી સાથે ટ્રેનિંગ પૂરી પાડતી ITI ખાતે એન.સી.વી.ટી. તેમજ જી.સી.વી.ટી. પેટર્નના વર્કશોપ ઉપરાંત મેગા આઈટીઆઈ અંર્તગત એડવાન્સ વેલ્ડીંગ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમાઈઝેશન, આઈ.ટી. અને ઈમર્જીંગ ટેકનોલોજી, ટેક્ષટાઈલ અને એપરલ એમ જુદા જુદા ક્ષેત્ર આધારિત સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર કરાઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યની જુદી જુદી આઈટીઆઈમાં ફરજ બજાવતા કર્મચારીઓના કૌશલ્યમાં સતત વધારો થાય એ માટે ઈન્સ્ટીટ્યુટ ફોર ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ માટે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ધરાવતું સેન્ટર આગામી દિવસોમાં સાકાર થશે.