સિવિલ હોસ્પિટલના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિવસની ઉજવણી
સિવિલના દર્દીઓ, કર્મચારીઓને ન્યુટ્રીશન કીટ, સાડી, બ્લેન્કેટ, સ્કુલબેગનું વિતરણ કરી નર્સિંગ એસો.એ ગૃહરાજ્યમંત્રીના જન્મદિનને અનોખી રીતે ઉજવ્યો
પ્રસૂતા, ધાત્રી માતાઓને ૩૯૦ કિલો ગોળ-ખજુર, ૧૦૦ સફાઈ કામદાર બહેનોને સાડી, ૧૦૦ હિમોફિલિયા બાળકો-દર્દીઓને સ્કૂલ બેગ અને બ્લેન્કેટસ અર્પણ કરાયા
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, કર્મચારીઓને ન્યુટ્રીશન કીટ, સાડી, બ્લેન્કેટ, સ્કુલબેગનું વિતરણ કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિનને સંઘવી પરિવારે અનોખી રીતે ઉજવ્યો હતો.
સિવિલના દર્દીઓને સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આયોજિત આ કાર્યક્રમમાં બાળકો, દર્દીઓ સાથે ગૃહરાજ્યમંત્રીના માતૃ દેવયાનીબેન તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સ્ત્રીરોગ વિભાગના પ્રસૂતા, ધાત્રી માતાઓને ૩૯૦ કિલો ગોળ-ખજુર, ૧૦૦ સફાઈ કામદાર બહેનોને સાડી, ૧૦૦ હિમોફિલિયાગ્રસ્ત બાળકો- દર્દીઓને સ્કૂલ બેગ અને બ્લેન્કેટ તેમજ આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં છ માસ સુધી ચાલી શકે તેવી ૨૦૦૦ બેબી કિટનું વિતરણ કરાયું હતું. ગાયનેક વિભાગના હેડને ચીજવસ્તુઓની કિટ્સ દર્દીઓમાં વિતરણ માટે અર્પણ કરાઈ હતી. નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ ૩૯મા જન્મદિવસની ફુલોની રંગોળી બનાવીને મંત્રીને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નર્સિગ એસો.ના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું સે કે, છેલ્લા ૧૨ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે હર્ષભાઈ નવી સિવિલના દર્દીનારાયણ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. પોતાનું સમગ્ર જીવન નાગરિકોની સેવામાં સમર્પિત કરનાર અને હરહંમેશ સેવાભાવ સાથે કાર્યરત હર્ષભાઈએ કોવિડ કાળમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, દર્દીઓ સહિત સફાઈ કામદારોની રાત-દિવસ સેવા-સુશ્રુષા કરી હતી. હર્ષ ધારાસભ્ય ન હતાં, ત્યારથી મજૂરા વિધાનસભામાં આવેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે જન્મદિન ઉજવે છે. તેમના પ્રયાસોથી સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓને અનેકવિધા આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. વર્ષ દરમિયાન ગૃહરાજ્યમંત્રી દ્વારા છ સ્ટ્રેચર તથા છ વ્હીલચેર પણ સિવિલને અર્પણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્મા, ટી.બી. અને ચેસ્ટ વિભાગના વડા તેમજ યુનિ. સિન્ડીકેટ સભ્ય ડો. પારૂલ વડગામા, અધિક તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, કિરણ દોમડીયા, નિલેશ લાઠીયા, વિભોર ચુગ, વિરેન પટેલ, જગદીશ બુહા સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો, તબીબી અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.