HomeBusiness'Green Guardian' Award/GPCBના રિજનલ ઓફિસર ડો.જિજ્ઞાસાબેન ઓઝાને પ્રશસ્તિપત્રક આપી સન્માનિત કરાયા/INDIA NEWS...

‘Green Guardian’ Award/GPCBના રિજનલ ઓફિસર ડો.જિજ્ઞાસાબેન ઓઝાને પ્રશસ્તિપત્રક આપી સન્માનિત કરાયા/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર દ્વારા ગુજરાત રાજ્યના પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે GPCBના રિજનલ ઓફિસર ડો.જિજ્ઞાસાબેન ઓઝાને પ્રશસ્તિપત્રક આપી સન્માનિત કરાયા

ડો. જિજ્ઞાસાબેન ઓઝા ૫૫,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં નિમિત્ત બન્યા છે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવાર, તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૩:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ગુજરાતના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વોટર રિસોર્સ અને વોટર સપ્લાય વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર ડો. જિજ્ઞાસાબેન ઓઝાને ‘ગ્રીન ગાર્ડિયન’ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ વોર્મિંગ અને વેધર ચેન્જિંગની સ્થિતીને જોતા પર્યાવરણની જાળવણી હાલમાં અત્યંત જરૂરી બની છે. પર્યાવરણની જાળવણી કરવી માત્ર સરકારની જ નહીં પણ આપણી બધાની નૈતિક જવાબદારી છે. હાલમાં પર્યાવરણ વિશેની જાગૃતતા લોકોમાં વધી છે અને ધંધા-ઉદ્યોગકારો પણ તે દિશામાં પુખ્ત વિચાર કરતા થઈ ગયા છે અને તે દિશામાં પગલાં લઈ રહ્યા છે.’

ગુજરાતના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વોટર રિસોર્સ અને વોટર સપ્લાય વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં પર્યાવરણ માત્ર દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે. સમગ્ર દેશમાં હવાનું પ્રદૂષણ માપતું સાધન સેમ્સ(CEMS) પ્રથમવાર સુરતમાં લગાવવામાં આવ્યું હતું. સુરતની અંદર ૪૦૦ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી, ૧૨૦ કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથે જ ૭ સીઈટીપી શહેરમાં છે. રાજ્યમાં સૌથી વધુ ૭ સીઈટીપી ધરાવતું એકમાત્ર શહેર સુરત છે. પ્રદૂષણના કારણે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ૨૦૩૦ સુધીમાં કુલ પાણીના જથ્થાના ૪૦ ટકા પાણી જ જમીનમાં બચશે. જેના નિવારણના એક વિકલ્પ તરીકે સીઈટીપી થકી પાણી રિસાઈકલ કરવાથી ગ્રાઉન્ડ વોટર બચાવી શકાશે.’ સાથે જ તેમણે ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોને ઔદ્યોગિક વેસ્ટમાંથી પ્રોડક્ટ બનાવવામાં સુરતે પહેલ કરવી જોઈએ તેવું આહવાન કર્યું હતું.

વૃક્ષોનું વાવેતર અને પર્યાવરણને બચાવવાનાં પ્રયાસોમાં જીપીસીબીના રિજનલ ઓફિસર ડો.જિજ્ઞાસાબેન ઓઝાના નોંધનીય કાર્યોને ધ્યાને રાખીને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી દ્વારા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે પ્રશસ્તિપત્રક આપીને અને ખુબસુરત એનજીઓ દ્વારા ‘ગ્રીન ગાર્ડિઅન’ એવોર્ડથી તેમણે સન્માનિત કરાયા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘સુરતીઓએ ધંધો-બિઝનેસ પ્રદુષણ નિયંત્રણના દાયરામાં રહીને કરવાનો છે. પ્રદૂષણનો નિકાલ કરવામાં અને ત્યાં અમૃતવન બનાવવામાં મારી સાથે જીપીસીબીના અન્ય અધિકારીઓએ અને ઉદ્યોગકારોએ પણ સહાય કરી છે.’ ડો.જિજ્ઞાસાબેન ઓઝાએ પોતાના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન એક હજારથી વધુ વૃક્ષો વાવ્યાં છે અને સાથે જ ૫૫,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં તેઓ નિમિત્ત બન્યા છે.

ચેમ્બરના પર્યાવરણ-પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન કુણાલ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રહેવા લાયક અને બિઝનેસ માટે શહેરની પસંદગી શહેરના કાર્બન ક્રેડિટ અને ગ્રીન ક્રેડિટના આધારે નક્કી થશે. જે શહેર પાસે સારું કાર્બન ક્રેડિટ અને ગ્રીન ક્રેડિટ રહેશે તેની પસંદગી મોખરે થશે.

ચેમ્બરના પર્યાવરણ-પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના સભ્ય ઉમંગ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના પર્યાવરણ-પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના કો-ચેરમેન હેતુલ મહેતાએ મંત્રી મુકેશભાઈ પટેલ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં જીતુભાઈ વખારિયા, કમલભાઈ તુલસિયાન, રચના ગ્રૃપના જે.પી.અગ્રવાલ, રવીન્દ્ર આર્ય સહિત અનેક અગ્રણીઓ સાથે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના માનદ મંત્રી નિખિલ મદ્રાસીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

SHARE

Related stories

Latest stories