નાનપુરા ખાતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ(AIILSG) સંસ્થાનો પદવીદાન સમારોહ યોજાયો
સેનેટરી ઈન્સપેકટર અને લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ડિપ્લોમા કોર્સના ૨૬ વિદ્યાર્થીઓને વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે પદવી એનાયત
સરકારની શૈક્ષણિક યોજના થકી ગરીબ મધ્યમવર્ગી પરિવારના બાળકો પણ શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરી દેશનું નામ રોશન કરી રહ્યાં છેઃરાજ્યમંત્રી મુકેશ પટેલ
વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતમાં નાનપુરા સ્થિત સમૃધ્ધિ હોલ ખાતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ(AIILSG) સંસ્થા દ્વારા આયોજિત સેનેટરી ઈન્સપેકટર અને લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ડિપ્લોમા કોર્સનો પદવીદાન સમારોહમાં યોજાયો હતો.જેમાં ૧૦ સેનેટરી ઈન્સપેકટર અને ૧૬ લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૬ વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે, જ્યાં લોકભાગીદારી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સૌથી વધુ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સમગ્ર વિશ્વમાં શિક્ષિત સમાજ તરીકે ઉભરી આવ્યુ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શિક્ષણ પદ્ધતિમાં અનેક બદલાવ આવ્યા છે.પહેલા ગામડાના બાળકો ધોરણ ૭ સુધી અભ્યાસ કરી શિક્ષણનો ત્યાગ કરી દેતાં હતા.પરંતુ હવે છેવાડાના ગરીબ મધ્યમવર્ગી પરિવારના બાળકો શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. પહેલા વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે અન્ય રાજ્ય કે દેશમાં જવું પડતું હતું પરંતુ હવે ગુજરાતમાં જ દરેક ક્ષેત્રની કોલેજો સ્થાપિત થઇ છે, આપણા વિદ્યાર્થીઓ આપણા જ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનશે.
વધુમાં તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં ક્વોલિફાઇડ શિક્ષકો અને માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાઓ, કોલેજો જોવા મળી રહી છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. તેમણે સકારાત્મક વિચારો સાથે દેશ અને રાજ્યમાં નામ રોશન કરી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. અગામી દશ વર્ષમાં ભારતની શિક્ષણ પદ્ધતિમાં એવો બદલાવ આવશે કે અન્ય દેશના વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ માટે આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થાનો પરિચય આપતા સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર રવિ રંજન ગુરુ જણાવ્યું હતું કે, ૧૯૨૬માં સ્થાપેલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ(AIILSG) શહેરી વિકાસ સંચાલન ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માન્ય વિવિધ વિષયો માટે શૈક્ષણિક તાલીમ પુરી પાડતી દેશની ૯૫ વર્ષ જુની સંસ્થા છે. ૫૦થી વધુ કેન્દ્રો ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં કાર્યરત છે. AIILSG સુરત કેન્દ્ર દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા (SI) કોર્સ કાર્યરત છે. વધુમાં, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ડિપ્લોમા (LSGD) તથા કોમ્પ્યુટર માટેનું સી.સી.સી. સર્ટિફિકેટ કોર્સ પણ કાર્યરત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીને લગતા વિવિધ કાર્યકમો, સેમિનાર, વર્કશોપ પણ યોજવામાં આવે છે. વિશેષમાં સંસ્થા દ્વારા દેશની અગ્રેસર યોજનાઓ જેવી કે, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત મિશન, AMRUT યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમો પણ કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર રવિ રંજન ગુરુ, સુરત AIILSG સંસ્થાના વિભાગીય નિયામક પરવેઝ મલિક, રાજકોટ અને પાટણના વિભાગીય નિયામકઓ, સુરત AIILSG સંસ્થાના આચાર્ય જગદીશભાઈ ગનેરીવાલ,શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.