ભારતના વસ્ત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નો પ્રોજેકટ રિપોર્ટ મંગાવ્યો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાની અધ્યક્ષતા હેઠળ માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા અન્ય સભ્યો સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે તા. ૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કન્ઝયુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય વસ્ત્ર મંત્રી સમક્ષ ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટની માહિતી આપવામાં આવી હતી. ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી સુરત સહિત ગુજરાત રિજીયોન તેમજ એકંદરે ભારતમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે.
SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ વિષે જાણીને ભારતના કેન્દ્રિય વસ્ત્ર મંત્રી પીયુષ ગોયલ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ખાસ કરીને ટેક્ષ્ટાઇલનું વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરી શકાય તે માટે મદદરૂપ થઇ શકે એવા મિશન ૮૪ પ્રોજેકટ અંગે તેમણે રસ દાખવ્યો હતો અને આ પ્રોજેકટ સંબંધિત આખો પ્રોજેકટ રિપોર્ટ ચેમ્બર પ્રમુખને મોકલી આપવા માટે સૂચન કરી તેમના સેક્રેટરીને પ્રોજેકટ રિપોર્ટ મંગાવવા સૂચના આપી હતી. હવે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ પ્રોજેકટનો રિપોર્ટ કેન્દ્રિય વસ્ત્ર તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલને મોકલવામાં આવશે અને ત્યારબાદ ફરીથી તેમની સાથે વધુ બેઠકોનો દૌર હાથ ધરવામાં આવશે.