વનિતા વિશ્રામ ખાતે ૧૦ દિવસીય ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળાને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબહેન જરદોશ
જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩નો શુભારંભ
દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૩૦૦થી વધુ કારીગરોએ ભાગ લીધો
એવોર્ડી, લુપ્ત થતી કલાને જાળવતા ઉત્કૃષ્ટ કારીગરો દ્વારા જીવંત નિદર્શન સહ વેચાણ એક્ઝિબિશનનો શુભારંભ: ગુજરાતના ૧૦ જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત
સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તા.૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્ષટાઇલ અને રેલ્વે રાજયમંત્રી દર્શનાબહેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની ૧૦ જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT-ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ૧૦ દિવસીય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના GI ટેગ ધરાવતા ૩૦૦ થી વધુ જેટલા કારીગર/સંસ્થાઓએ ભાગ લીધો છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પીથોરા, જામ નગરી બાંધણી, કચ્છ શોલ,સુરત ઝરી ક્રાફટ, અગેટ્સ ઑફ કેમબે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોડરી જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હેન્ડલૂમ અને હસ્તકલા ક્ષેત્રે જીઆઇ (જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન) એટલે કે જે-તે વસ્તુની ભૌગોલિક વિશિષ્ટ નિશાની મળ્યા પહેલાં અને મળ્યા બાદ તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે, તે વિશે વિશેષ માહિતી જાણી શકાશે. ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. જેનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવિકામાં વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપુર્ણ કલાવારસાને જીવંત રાખી શકાય.
આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવિણ સોલંકી (IAS), ગરવી ગુજરીના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાદું, ઇન્ડેક્ષ્ટ-સી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.એમ.શુક્લ, ઇન્ડેક્ષ્ટ-સી ના મેનેજર રિકેન શાહ, Index-cના એડમિન ઓફિસર આર.પી.સુતરીયા સહિત દેશભરમાંથી આવેલા હસ્તકલાકારીગરો, હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.