સરસ મેળો ૨૦૨૩ : સપનાની ઉડાન: સુરત
અડાજણ ખાતે રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોના આર્થિક ઉત્થાન માટે આયોજિત ‘સરસ મેળા’ને ખુલ્લો મુકતા શહેરના મેયર દક્ષેશ માવાણીઃ
સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથોના ઉત્પાદનોને ‘સરસ મેળા’ થકી ખરીદવાની તક
તા.૭મી નવેમ્બર સુધી સરસ મેળાનું આયોજન
ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન થાય એ હેતુથી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના અડાજણ ખાતે તા.૨૭ ઓકટોબરથી ૭ નવેમ્બર દરમિયાન આયોજિત ‘સરસ મેળા’ને મેયર દક્ષેશભાઈ માવાણીએ ખુલ્લો મુકયો હતો.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જુથો (સખીમંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આ જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી હની પાર્ક ગ્રાઉન્ડ, આનંદ મહલ રોડ, અડાજણ ખાતે ‘સરસ મેળો’ યોજાયો છે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ જણાવ્યું હતું. તેમણે શહેરની જનતાને આ મેળાની અવશ્ય મુલાકાત લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના જનરલ મેનજર મનોહરસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.ના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વિવિધ રાજ્યોના ૫૦ સ્ટોલ તેમજ ગુજરાતના જિલ્લાઓના ૧૦૦ જેટલા સ્ટોલ્સ
સરસ મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, કેરલા, લદાખ, આંધ્રપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, રાજ્યના રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઓડિશા સહિતના રાજ્યોના ૫૦ તથા ગુજરાતના વિવિધ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડિજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર અપાશે.