ચેમ્બરના હોદ્દેદારોએ મિશન ૮૪ અંતર્ગત દુબઇ ખાતે વિવિધ વેપારી એસોસીએશનોના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સાથે મિટીંગો કરી
સુરત અને દુબઇના ઉદ્યોગકારો અને વેપારીઓને એક પ્લેટફોર્મ લાવી તેઓની વચ્ચે પ્રોડકટની લે–વેચ થાય તે માટે પ્રયાસો કરવા ચર્ચા વિચારણા થઇ : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
સુરતના ઉદ્યોગકારોને દુબઇમાં ઇકોનોમિક ફ્રી ટ્રેડ ઝોનમાં વ્યાપાર માટેની સુવિધા આપવા પ્રયાસો કરવા સંદર્ભે દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટરના ડાયરેકટર સાથે ચર્ચા વિચારણા થઇ
ચેમ્બરના હોદ્દેદારોએ દુબઇ ગ્લોબલ કનેકટના પ્રતિનિધિ પોલ બુટ્સ, ટેક્ષમાસના ચેરમેન સહિતના હોદ્દેદારો અને દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટર (DMCC)ના ડાયરેકટર મારવન સાલેહ સાથે મિટીંગ કરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી એસોસીએશનોની મુલાકાતાર્થે દુબઇ પ્રવાસે છે. દરમ્યાન મંગળવાર, તા. ર૮ નવેમ્બર, ર૦ર૩ના રોજ ચેમ્બર પ્રમુખે દુબઇ ખાતે દુબઇ ગ્લોબલ કનેકટના પ્રતિનિધિ પોલ બુટ્સ સાથે મિટીંગ કરી હતી. દુબઇ ગ્લોબલ કનેકટ એ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ દુબઇનું ઇનીશિએટીવ છે, જે એક આંતરરાષ્ટ્રીય બજાર કેન્દ્ર છે. દુબઇ ગ્લોબલ કનેકટ સમગ્ર વિશ્વમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને સુરક્ષિત અને સરળ વેપાર માટે એક કોમન ફિઝીકલ પ્લેટફોર્મ બનાવી રહયું છે એના પર સમગ્ર વિશ્વમાંથી વેપારીઓને એક જ જગ્યાએ ખરીદ – વેચાણ કરવાની સુવિધા આપે છે, જે કામ SGCCI ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી સાકાર કરવા જઇ રહી છે.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ છેલ્લાં ૮૪ વર્ષથી કાર્યરત SGCCIની વિવિધ પ્રવૃત્તિઓ વિશે દુબઇ ગ્લોબલ કનેકટના પ્રતિનિધિ પોલ બુટ્સને માહિતી આપી હતી. તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટથી તેઓને વાકેફ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મિશન ૮૪ અંતર્ગત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો દુબઇના વેપારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકે, જેથી કરીને તેઓ પરસ્પર એકબીજાને પ્રોડકટ અને સર્વિસિસની લે – વેચ કરી શકે. સાથે જ તેઓની વચ્ચે વ્યાપારિક સંબંધો ગાઢ બને અને ભારતથી એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ સતત પ્રયાસો કરી રહયું છે.
ભારત અને દુબઇના દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધો વધુ મજબુત બને તે માટે મિશન ૮૪ની સાથે જોડાવા માટે તેમણે દુબઇ ગ્લોબલ કનેકટના પ્રતિનિધિ પોલ બુટ્સને અનુરોધ કર્યો હતો. પોલ બુટ્સે પણ ચેમ્બર ઓફ કોમર્સના અતિ મહત્વાકાંક્ષી મિશન ૮૪ પ્રોજેકટને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. સાથે જ ભવિષ્યમાં સુરતના ઉદ્યોગકારો અને દુબઇના વેપારીઓને એક પ્લેટફોર્મ લાવવા પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું. ચેમ્બર પ્રમુખે તેમને દુબઇના વેપારીઓ સાથે સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઉદ્યોગોની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો પોલ બુટ્સે સહર્ષ સ્વીકાર કર્યો હતો.
બુધવાર, તા. ર૯ નવેમ્બર, ર૦ર૩ના રોજ સવારે દુબઇના ટેક્ષ્ટાઇલ મર્ચન્ટ્સ ગૃપ (TEXMAS)ના હોદ્દેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી તથા ટેક્ષમાસના ચેરમેન જગદિશ અમરનાની, જનરલ સેક્રેટરી સચુવ મનવાની અને જોઇન્ટ સેક્રેટરી કિશોર સાવલાની ઉપસ્થિત રહયા હતા. ટેક્ષમાસ એ દુબઇના ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી ૩પ૦થી વધુ આંતરરાષ્ટ્રીય વેપારીઓની એપેકસ બોડી છે અને એના સભ્યો દ્વારા વિશ્વના ૯૦ જેટલા દેશો સાથે ઇમ્પોર્ટ – એકસપોર્ટ કરવામાં આવે છે.
ચેમ્બર પ્રમુખે ટેક્ષમાસના હોદ્દેદારોને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંગે વિસ્તૃત જાણકારી આપી તેની સાથે જોડાવા માટે અનુરોધ કર્યો હતો. ટેક્ષમાસના ચેરમેને પણ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો દુબઇના ઉદ્યોગકારો સાથે સીધો વ્યાપાર કરી શકે તે માટે મિશન ૮૪ પ્રોજેકટને સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. આ મિટીંગમાં દુબઇના વિકસિત ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને કઇ રીતે મળી શકે? તેમજ સુરતના ઉદ્યોગકારોની ટેક્ષ્ટાઇલ પ્રોડકટ દુબઇના વેપારીઓને કઇ રીતે એક્ષ્પોર્ટ કરી શકાય? તે અંગે ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્ષમાસના હોદ્દેદારો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઇ હતી.
બુધવાર, તા. ર૯ નવેમ્બર, ર૦ર૩ના રોજ બપોરે ચેમ્બર પ્રમુખ અને માનદ્ મંત્રીએ દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટર (DMCC)ના સેલ્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના ડાયરેકટર મારવન સાલેહ સાથે મિટીંગ કરી હતી. દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટર એ દુબઇમાં વિશ્વનું સૌથી વધુ ઇન્ટરકનેકટેડ ઇકોનોમિક ફ્રી ટ્રેડ ઝોન છે. DMCCની પ્રિમાઇસિસમાં ૪૦૦૦થી પણ વધુ કંપનીઓ આવેલી છે, જે વૈશ્વિક કક્ષાએ બિઝનેસ કરી રહી છે.
ચેમ્બર પ્રમુખે DMCCના ડાયરેકટર સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મિશન ૮૪ની સાથે જોડાવા માટેની તૈયારી દર્શાવી હતી. આ સંદર્ભે ભવિષ્યમાં મિશન ૮૪ અંતર્ગત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને દુબઇ મલ્ટી કોમોડીટીઝ સેન્ટર (DMCC) વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવશે, જેના અંતર્ગત DMCCની પ્રિમાઇસિસમાં આવેલી કંપનીઓના માલિકોને મિશન ૮૪ના ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલની સાથે ઓનબોર્ડ કરવા તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને લાભ થાય તે માટે તેઓને દુબઇમાં વ્યાપાર માટેની સુવિધા આપવા અંગે સંયુકતપણે પ્રયાસો કરવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.