ચેમ્બર દ્વારા સુરત ઇકોનોમિક ફોરમ પ્રિ–લોન્ચ મિટીંગ યોજાઇ
સુરત ઇકોનોમિક ફોરમ માટે વિવિધ નિષ્ણાંતોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત તા. ૦૭ ઓકટોબર, ર૦ર૩ના રોજ સુરત ઇકોનોમિક ફોરમની પ્રિ–લોન્ચ મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ મિશન ૮૪ અંતર્ગત સુરત ઇકોનોમિક ફોરમ બનાવવા માટે ઉપસ્થિત મહાનુભાવો તેમજ નિષ્ણાંતોને સૂચનો આપવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર હેમંત દેસાઇએ સુરત ઇકોનોમિક ફોરમ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત ઇકોનોમિક ફોરમ (SEF)નું મુખ્ય લક્ષ્ય સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઇકોસિસ્ટમ ઉભી કરવા માટે સાનુકુળ વાતાવરણ પૂરુ પાડવાનું છે. સુરતના આર્થિક વિકાસને ઝડપી ગતિએ આગળ વધારવા તેમજ તેને ટકાવી રાખવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત આ ફોરમને વિશેષ સેટ–અપ તરીકે પ્રમોટ કરાય છે, જેનો મુખ્ય હેતુ સુરત સહિત સમગ્ર ભારત દેશના દરેક નાગરિકનો આર્થિક વિકાસ છે.
સુરત ઇકોનોમિક ફોરમ એ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની લાઇન પર આધારિત છે. આ ફોરમ સમગ્ર વિશ્વમાંથી શ્રેષ્ઠ જ્ઞાન, માહિતી, વિશ્લેષણ અને સંશોધન મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે, જેનો ઉપયોગ સ્થાનિક અર્થતંત્રના લાભ માટે કરાશે. ‘થિન્ક ગ્લોબલ, એકટ લોકલ’ની વ્યૂહરચના પર આધારિત સુરત ઇકોનોમિક ફોરમ એક પ્રકારે થિન્ક ટેન્કની ભૂમિકા ભજવશે. આ ફોરમ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો, અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, સરકાર અને અન્ય સ્ટેક હોલ્ડરોને એક પ્લેટફોર્મ પર લાવવાની ભૂમિકા અદા કરશે. વ્યાપાર – ઉદ્યોગ, ચેમ્બર ઓફ કોમર્સ અને સરકાર એમ ત્રણેયની ભાગીદારી આ ફોરમમાં હશે તથા આ ત્રણેયને એકસાથે જોડીને આ ફોરમ સુરતના આર્થિક વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે અને ગુજરાત સહિત સમગ્ર દેશના જીડીપી ગ્રોથમાં યોગદાન આપશે.
નિષ્ણાંત મહેશ રામાનુજમે સુરત ઇકોનોમિક ફોરમની કોન્સેપ્ટ નોટ વાંચી એમાં તેમના તરફથી ત્રણ મુદ્દાઓ ઉમેરવા માટે વિશેષ ભાર આપ્યો હતો. જેમાં ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને સકર્યુલર ઇકોનોમીનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોને ઇન્કલુઝીવ ગ્રોથ પર ફોકસ કરવાની જવાબદારી સોંપી શકાય તેમ છે. સુરત સહિત ભારતના ઉદ્યોગ સાહસિકોએ પોતાના બિઝનેસ આઇડીયા વિશે ખૂલીને વાત કરવી જોઇએ અને અન્ય ઉદ્યોગકારોની સાથે બિઝનેસ આઇડીયા શેર કરવા જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુએઇમાં નવેમ્બર–ડિસેમ્બર ર૦ર૩ દરમ્યાન યોજાનાર COP 28 એકઝીબીશનમાં ચેમ્બર ઓફ કોમર્સે સુરતના ઉદ્યોગકારોને પાર્ટીસિપેટ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું જોઇએ. નોલેજ લીડરશિપ અને ક્રિએટીવિટીને એક્ષ્પોર્ટ કરવી જોઇએ અને ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલી પ્લેટફોર્મ પૂરુ પાડવું જોઇએ.
પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ ડો. પરાગ સંઘાણીએ જણાવ્યું હતું કે, સુરત ઇકોનોમિક ફોરમનું બધી જગ્યાએ પ્રમોશન કરવું જોઇએ. જેથી કરીને એના માટેની જે મુશ્કેલીઓ હશે તે સામે આવશે અને તેનું નિરાકરણ લાવી શકાશે. તેમણે કહયું હતું કે, શોર્ટ ટર્મ ગોલ્સ નકકી કરી તેના પર ફોકસ કરવો જોઇએ. સુરત ઇકોનોમિક ફોરમમાં સુરત મહાનગરપાલિકાને પણ સમાવિષ્ટ કરવા જોઇએ.
ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ સુરત શહેરમાં મોબિલિટી, સિટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટક્રચર વિશે વાત કરી હતી. સુરતના ઇકોનોમિક ગ્રોથ માટે ઘણી બધી બાબતોની સ્ટડી કરવી જોઇએે તેમ તેમણે જણાવ્યું હતું.
ટેકનોક્રેટ હરેશ કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે, સુરત ઇકોનોમિક ફોરમ માટે વિઝન ડોકયુમેન્ટ બનાવવું જોઇએ. મહત્વના ત્રણથી ચાર ગોલ નકકી કરી તેના પર કામ કરવું જોઇએ.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, અત્યારે સુરતની ઇકોનોમી પ૯ બિલિયન યુએસ ડોલર છે. ર૦ ટકા ગ્રોથ રેટ સાથે ચાલીશું તો આગામી વર્ષ ર૦૩૦ સુધીમાં ર૧૦ બિલિયન યુએસ ડોલર પર પહોંચીશું. લઘુ ઉદ્યોગો, સરળતાથી બિઝનેસ કરી શકે અને ટકી શકે તે માટેની સિસ્ટમ ઉભી કરવી પડશે. ગ્રામિણ વિસ્તારોમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું પડશે. તેમણે કહયું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંચાલિત SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સુરતના અંતર્ગત આંત્રપ્રિન્યોરશિપ પર કોર્ષ ડિઝાઇન કરવો જોઇએ.
ઉપરોકત મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, મિશન ૮૪ના પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટ, સીએ પંકજ મહેશ્વરી, ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના કો ચેરમેન રાકેશ દોષી, ડો. નિરવ મંડિર તથા ચેમ્બરના ગૃપ ચેરમેનો સીએ અનુજ જરીવાલા, દીપક કુમાર શેઠવાલા, ચેમ્બરની બેન્કીંગ કમિટીના ચેરમેન સીએ વિપુલ શાહ અને એસોસીએશન લાયઝન કમિટીના કો ચેરમેન અમિત શાહ, અતુલ પાઠક વિગેરે ઉપસ્થિત રહયા હતા.