‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃસચીન
સચીન ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાના હસ્તે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાયો
}} વડાપ્રધાનએ ૨૦૪૭માં ભારતને વિકસિત બનાવવાની નેમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરી એક નવી દિશા આપી છેઃ
}} દેશના તમામ નાગરિકો સરકારની પ્રજાલક્ષી યોજનાથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે:શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયા
પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે એક માત્ર માધ્યમ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ મેયર દક્ષેશ માવાણી
શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી સુરત શહેરના સચીન સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાના હસ્તે સુરત શહેરી વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ અવસરે શિક્ષણ રાજયમંત્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૪૭માં ભારતને વિકસિત બનાવવાની નેમ સાથે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરી એક નવી દિશા આપી છે. દેશના તમામ નાગરિકો સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છે. કોરાનાની કપરી પરિસ્થિતિમાં ઘરે ઘર અનાજ પહોચાડીને એક પણ વ્યકિત ભુખ્યો ન રહે તેની ચિંતા સરકારે કરી હતી. સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, પીડિત, વંચિત મહિલાઓ, યુવાનો અને નાગરિકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે. સરકારની આવાસ યોજના થકી શહેરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પોતાના પાકાં મકાન પ્રાપ્ત થયા છે. ઉજવલ્લા યોજનાથી વર્ષોથી ચુલા પર રસોઇ બનાવતી મહિલાઓ ગેસ પર રસોઇ બનાવતી થઇ છે. આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો સારવાર લઇ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ સુધીની કરી છે. જેના થકી ગરીબ પરિવારના વ્યક્તિ પણ શહેરની અદ્યતન હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર મેળવી રહ્યા છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ ૧૦૦ ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે.
આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે એક માત્ર માધ્યમ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. ગરીબ-મધ્યમવર્ગીય પરિવારના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી ૩૮ લાખ બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે એલપીજી ગેસના જોડાણો, સુકન્યા સમૃદ્ધિ યોજના થકી ૧૮ લાખથી વધુ ખાતાઓ ખોલવામાં આવ્યા છે. પોષણ અંભિયાન હેઠળ ૩૭ લાખથી વધુ મહિલા અને બાળકોને લાભ આપવામાં આવ્યો છે. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવતા હોવાનું જણાવી રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી.
આ અવસરે રાજ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇ, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઇ પટેલ, SMC કમિશનર શાલિની અગ્રવાલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઇ વાણીયાવાલા, લાઇટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષક ચિરાગભાઇ સોલંકી, વોર્ડ સભ્ય રિનાબેન, સંગઠન પ્રમુખ દિપકભાઇ ચૌધરી, સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.