મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ અને રાષ્ટ્રીય કક્ષાના ઇન્ડિયા એસએમઇ ફોરમ વચ્ચે એમઓયુ થયા
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને દેશના અન્ય ઉદ્યોગકારોને એક પ્લેટફોર્મ પર લાવી એકબીજાને પ્રોકડટની લે–વેચ કરી શકે તે માટે તેઓની વચ્ચે પરસ્પર ઔદ્યોગિક અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં આવશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને રાષ્ટ્રીય કક્ષાના ઇન્ડિયા એસએમઇ ફોરમ વચ્ચે મંગળવાર, તા.૧૦ ઓકટોબર, ર૦ર૩ના રોજ સંહતિ, સરસાણા ખાતે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સમજૂતિ કરાર કરવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા અને ઇન્ડિયા એસએમઇ ફોરમના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ નિલેશ શુકલાએ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મિશન ૮૪ના પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટ અને કો–ઓર્ડિનેટર સંજય પંજાબી હાજર રહયા હતા.
થોડા દિવસ પહેલાં જ ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ વડોદરા ખાતે ઇન્ડિયા એસએમઇ ફોરમના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ નિલેશ શુકલા તથા અન્ય પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી અને તેઓની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કરી તેઓને આ પ્રોજેકટમાં જોડાવા અનુરોધ કર્યો હતો. જેના ભાગ રૂપે ઇન્ડિયા એસએમઇ ફોરમના પ્રતિનિધિઓએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી– સુરત ખાતે આવીને મિશન ૮૪ પ્રોજેકટમાં જોડાઇને એમઓયુ કર્યા હતા.
આ સમજૂતિ કરાર મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને દેશના અન્ય ઉદ્યોગકારોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે અને તેઓ એકબીજાને પ્રોકડટની લે – વેચ કરી શકે તે માટે તેઓની વચ્ચે પરસ્પર ઔદ્યોગિક અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ ઇન્ડિયા એસએમઇ ફોરમના પ્રતિનિધિઓને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેકટની જરૂરિયાત અને તેના મહત્વ વિષે સમજણ આપી હતી. આ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રિજીયન સહિત સમગ્ર ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત જે ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે તેના વિશે પણ તેમણે વિસ્તૃત જાણકારી તેઓને આપી હતી.
ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવાની બાબત પણ સમજાવી હતી. એવી રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા વિશે જાણકારી આપી હતી.
મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોમાં રહેલી તકો તથા ત્યાંના કાયદા અને નિયમો વિશે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે થઇ રહેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે ઇન્ડિયા એસએમઇ ફોરમના પ્રતિનિધીઓને વાકેફ કર્યા હતા.
ઇન્ડિયા એસએમઇ ફોરમના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ નિલેશ શુકલાએ ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાના આ ફોરમના દેશભરના તમામ ઉદ્યોગકાર સભ્યોને મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડીશું અને ઉદ્યોગકારોને તેનો મહત્તમ લાભ મળે તે માટે પ્રયાસ કરીશું.