ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ડેટા પ્રોટેકશન’પર સેમિનાર યોજાયો
મોબાઇલમાં જરૂરી હોય તેટલી જ એપ્લીકેશન રાખવી જોઇએ, કોઇ પણ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર બને તેટલી ઓછી માહિતી શેર કરો : ડો. ચિંતન પાઠક
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૯ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડેટા પ્રોટેકશન’વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત ટેકલોયર તેમજ સાયબર લો એન્ડ સિકયુરિટી કન્સલ્ટન્ટ ડો. ચિંતન પાઠકે ઉદ્યોગકારોને ડેટા શું છે ? અને આ ડેટાના ઉપયોગથી શું થઇ શકે ? તેની યોગ્ય સમજ આપી હતી. જ્યારે આઇસીઆઇસીઆઇ બેંકના મર્ચન્ટ ઇકો સિસ્ટમના રિજીયોનલ હેડ ધ્રુવ જેઠવાએ તેમની બેંક દ્વારા ઉદ્યોગકારો તથા લોકોને આપવામાં આવતી વિવિધ લોન તેમજ સુવિધાઓ સંદર્ભે માહિતી આપી હતી.
ડો. ચિંતન પાઠકે જણાવ્યું હતું કે, હાલમાં ભારત સરકાર દ્વારા જે ડિજીટલ પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ લાવવામાં આવ્યું, જેનો હવે કાયદા સ્વરૂપે ટુંક સમયમાં અમલ શરૂ થશે. જેને કારણે લોકોની અંગત અને સંવેદનશીલ માહિતીઓની આપ–લે કે વેચાણ, જે આજદિન સુધી બેરોકટોક ચાલતું હતું તેના પર ઘણા અંશે લગામ લાગશે અને લોકોના પ્રાઇવસીને લગતા અધિકારોનું રક્ષણ વધુ સારી અને અસરકારક રીતે સંભવ બનશે. આ કાયદાના અમલથી જે સંસ્થાઓ, લોકોનો ડેટા મેળવે છે તેની સાચવણીની જવાબદારી જે તે સંસ્થાની રહેશે તે મુજબની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, “Once you are predictable, you are vulnerable” લોકોએ જ્યાં જ્યાં તેમના ઇ–મેલ આઇડી, ફોન નંબર, એડ્રેસ, પાનકાર્ડ, આધારકાર્ડ કે અન્ય પર્સનલ આઇડેન્ટીફિકેશન માંગવામાં આવતું હોય છે ત્યારે આ માહિતી શા માટે લેવામાં આવી રહી છે ? આ માહિતી માંગવાનો જે તે વ્યકિતને હક કોણે આપ્યો છે અને તે માહિતી કયા હેતુ માટે માંગવામાં આવે છે અને તેનો શા માટે ઉપયોગ થવાનો છે ? તેવો સવાલ જે તે વ્યકિતએ સામેવાળી વ્યકિતને કરવો જોઇએ.
હાલમાં ઘણા ડેટા બ્રીચ થયા છે, જેમાં લોકોની આ બધી અંગત અને સંવેદનશીલ માહિતીઓ લીક થાય છે, જે ડાર્ક નેટ પરથી સાયબર ક્રિમીનલ મેળવે છે અને તેને આધારે સોશ્યલ એન્જીનિયરીંગની ટેકનિકથી કોલ કરી કે મેસેજ મોકલી માણસને ઠગે છે. કોઇપણ બેંક કે સંસ્થા તમને ફોન કરી સીવીવી કે ઓટીપી માંગતી નથી, આથી જ્યારે આવી કોઇ માંગણી કરે ત્યારે બેંક પર રૂબરૂ આવીને જ આ વાતની ચકાસણી કર્યા બાદ જ માહિતી આપીશું તેમ ફોન કરનારને સ્પષ્ટપણે જણાવવું જોઇએ.
આજે જ્યારે આપણે ઇન્ફોર્મેશન એજમાં જીવી રહયા છીએ ત્યારે બધે જ અલગ અલગ પ્રકારે અનેક પ્રકારનો ડેટા જનરેટ કરી રહયા છીએ અને આ ડેટાનો કન્ટ્રોલ અજાણ્યા હાથોમાં સોંપી રહયા છીએ. લોકો દ્વારા સોશિયલ મિડિયા પર અલગ અલગ પ્રકારની માહિતીઓ પોસ્ટ કરવામાં આવે છે તેને આધાર બનાવીને જે તે વ્યકિતને લગતી અન્ય પ્રકારની માહિતી મેળવીને સાયબર ક્રિમીનલો વિવિધ પ્રકારના ગુના આચરતા હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોબાઇલફોનમાં જરૂરી હોય તેટલી જ એપ્લીકેશન રાખવી જોઇએ. કારણ કે, મોબાઇલ એપ પણ જે તે વ્યકિતના ઘણા બધા અંગત અને સંવેદનશીલ ડેટા તેઓની જાણ બહાર થર્ડ પાર્ટીને શેર કરે છે, આથી તેમણે કોઇ પણ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર બને તેટલી ઓછી માહિતી પોસ્ટ કરવાની સલાહ આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સની બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર) કમિટીના ચેરપર્સન ડો. જયનાબેન ભકતાએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું અને તેમણે જ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર પણ માન્યો હતો. કમિટીના સભ્ય હર્ષલ દોરીવાલાએ વકતા ડો. ચિંતન પાઠકનો પરિચય આપ્યો હતો. ઉદ્યોગકારો તેમજ લોકોના વિવિધ સવાલોના વકતાએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.