ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીસી ક્રિકેટ પ્રિમિયર લીગ ર.૦ યોજાઇ, નેન્સી પાઇરેટસ ટીમે વિજય હાંસલ કરી ટ્રોફી મેળવી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી દ્વારા રવિવાર, તા. ૭ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૮:૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી ઉધના – મગદલ્લા રોડ સ્થિત ડ્રીફટ ખાતે એસબીસી ક્રિકેટ પ્રિમિયર લીગ ર.૦નું આયોજન કરવામાં આવ્યું હતું.
લીજેન્ડ ટીમ ગુજરાત જાયન્સના કોચ મેહુલ પટેલના હસ્તે એસબીસી ક્રિકેટ પ્રિમિયર લીગ ર.૦નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા તેમજ મુખ્ય મહેમાન તરીકે યતિન ભક્તા અને અતિથિ વિશેષ તરીકે સ્નેહલ પચ્ચીગર, નરેશ યાદવ અને કેયુર સહેલાની ઉપસ્થિત રહયા હતા. મેહુલ પટેલે ચેમ્બરની એસબીસી કમિટી દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ માટે તેમજ ફિઝીકલ ફિટનેસ માટે જે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને બિરદાવી હતી.
કુલ બાર ટીમો જેવી કે ૭ કલર્સ પલટન, દુર્ગા ટાઇગર્સ, ઇનેજીક પેન્થર્સ, એચ એચ દબંગ્સ, નેન્સી પાઇરેટ્સ, રાધા કૃષ્ણ બુલ્સ, સંઘાણી સ્ટીલર્સ, સ્મિત જાયન્ટ્સ, સિઝનલ ટાઇટન્સ, યુનિવર્સલ વોરિયર્સ, યુપીએસ યોદ્ધા અને હેની થલાઇવાસ ટીમ વચ્ચે પંદર ક્રિકેટ મેચ રમાઇ હતી. નેન્સી પાઇરેટ્સ ટીમ અને હેની થલાઇવાસ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં નેન્સી પાઇરેટસ ટીમે વિજય હાંસલ કર્યો હતો.
ક્રિકેટ મેચની સમાપ્તિ બાદ એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા તથા એસબીસી કમિટીના એડવાઇઝર તપન જરીવાલા અને પરેશ પારેખ, ચેરમેન ચિરાગ દેસાઇ ઉપરાંત કમિટીના ૧૦૦ જેટલા સભ્યો હાજર રહયા હતા. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય પ સભ્યોની બનેલી ક્રિકેટ આયોજન કમિટીને આપવામાં આવ્યો હતો. આ કમિટીએ કો–ચેરમેન નિરવ બરફીવાલાના નેતૃત્વ હેઠળ અભુતપૂર્વ કામગીરી કરી હતી.