ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સ્વચ્છતા અભિયાન’ હેઠળ અઠવાલાઈન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરની સફાઈ હાથ ધરી
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેની ખ્યાતિ મેળવનારા સુરતની સુંદરતા અને સ્વચ્છતા જાળવી રાખવાનો અનુરોધ કરતા ગૃહ રાજ્ય મંત્રી
આગામી તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને તા.૧૪ થી ૨૨ જાન્યુઆરી-૨૦૨૪ સુધી દેશભરના નાના મોટા દરેક ધર્મસ્થાનો ખાતે સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અઠવાલાઈન્સ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિર અને તેના પરિસરની સાફ સફાઈ કરી હતી.
આ પ્રસંગે ગૃહમંત્રીએ વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સ્વચ્છ શહેર તરીકેની ખ્યાતિ મેળવનારા સુરત શહેરની સુંદરતા જાળવી રાખવા દર્શને આવનારા દરેક શ્રધ્ધાળુઓને ગમે ત્યાં કચરો નહીં કરવા અને કચરાપેટીનો ઉપયોગ વધારી સ્વચ્છતા કેળવવાનો અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, સાર્વત્રિક ચાલી રહેલા સફાઈ અભિયાનને કારણે લોકો દૈનિક ધોરણે સ્વચ્છતાના આગ્રહી બનશે, જે સુટેવ તેમના અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારક નીવડશે. સ્વચ્છતા અને પવિત્રતા આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ હોઈ, તીર્થસ્થાનોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે આવતા લોકો પર તેની સાનુકૂળ અસર ઊભી થશે એમ તેમણે ઉમેર્યું હતું. જેથી સૌ નાગરિકોએ ધાર્મિકસ્થળોને સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ બનવા મંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.