‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન-સુરત
ઉધના ઝોનના વિજયાનગરની મુલાકાત દરમિયાન દુકાનદારો સાથે સંવાદ કરી સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરતા મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ
વડીલો સાથે નિખાલસ ચર્ચા કરી સ્વચ્છતા જાળવવા અને ‘સ્વચ્છ સુરત’ના નિર્માણમાં સહભાગી બનવા કર્યો અનુરોધ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જનભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને વધુ ૨ માસ સુધી લંબાવ્યો છે, ત્યારે સુરત શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સઘન બની રહી છે. દેશમાં બીજા ક્રમના સૌથી સ્વચ્છ શહેર એવા સુરતને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ વ્યક્તિગત ગત રસ લઈને શહેરમાં થઈ રહેલી સફાઈ કામગીરીની સમીક્ષા કરે છે. જેમાં તેઓ વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઈને ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, અને સફાઈ કામદારો સહિત ઝોનના અધિકારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મ્યુ.કમિશનરશ્રીએ ઉધના ઝોન વિજયાનગર વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિક દુકાનદારો સાથે સંવાદ કરીને સ્વચ્છતા રાખવા, દુકાન આસપાસ કચરો ન ફેંકવા માટે જાગૃત્ત કર્યા હતા. દુકાન પર આવતા ગ્રાહકોને પણ સ્વચ્છતા જાળવવા માટે દુકાનદારોને જણાવ્યું હતું. તમામ દુકાનોમાં ફરજિયાત ડસ્ટબીન રાખવા સૂચના આપી હતી. તેમણે સ્થાનિક સોસાયટીઓ પાસે બેસતા વડીલો સાથે પણ નિખાલસ ચર્ચા, સંવાદ કરી સ્વચ્છતા જાળવવા અને ‘સ્વચ્છ સુરત’ ના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
સ્વચ્છતા અભિયાન હેઠળ સુરતના પૂર્વ ઝોન(બી)માં પાસોદરા ગામ પાસે રોડ રિપેરીંગ, રોડ ડિવાઈડર કલર કામગીરી, સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા માર્કેટ પાસે સંકલિત સફાઈ અને રોડ રિપેરીંગ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સિટીલાઇટ માર્કેટ ખાતે કલર કામગીરી પણ કરવામાં આવી હતી.