જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ
જુલાઇ-ઓગસ્ટ મહિના દરમિયાન ૧૫ તરૂણ શ્રમિકોને રેસ્ક્યુ કરાયા
જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં જુલાઇ અને ઓગસ્ટ માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરો, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે કલેક્ટરએ જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં કલેકટરએ રેસ્કયુ કરવામાં આવેલા તરૂણ શ્રમિકોનું શૈક્ષણિક પુનર્વસન, બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવવા અને બાળમજૂરીના દૂષણને દૂર કરવામાં સફળતા મળે એ માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવો મત વ્યક્ત કરી જરૂરી માર્ગદશન આપ્યું હતું.
બેઠકમાં ઇ.મદદનીશ શ્રમ આયુક્ત સ્મિત શાહે વિગતો આપતા જણાવ્યું કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં કુલ ૬ રેડ કરવામાં આવી હતી, જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા કુલ ૧૫ તરૂણ શ્રમિકોને રેસ્ક્યુ કરી ૬ સંસ્થાઓ સામે નિયમનની નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે.