ચંદ્રયાન– ૦૩ લેન્ડરના ચંદ્રની સપાટી ઉપર સોફટ લેન્ડીંગની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાળીઓના ગડગડાટથી વધામણી
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ચંદ્ર ઉપર મોકલેલા ચંદ્રયાન– ૦૩ના લેન્ડરે ગુરૂવાર, તા. ર૩ ઓગષ્ટ ર૦ર૩ના રોજ સાંજે સફળતાપૂર્વક ચંદ્રની સપાટી ઉપર સોફટ લેન્ડીંગ કર્યું હતું. ભારતે રચેલા આ ઐતિહાસિક ઘટનાના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિત દેશભરના લોકો સાક્ષી બન્યા હતા. ભારતે રચેલા ઈતિહાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોની ટીમ તથા સમગ્ર દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા.
વિશ્વભરમાં ભારત, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. ભારતે મેળવેલી આ ઐતિહાસિક સિદ્ધીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા અન્ય કમિટીના સભ્યો તેમજ સ્ટાફ કર્મચારીઓ સૌ ભારતના ઇતિહાસની આ અમૂલ્ય પળોને નિહાળવા એકત્રિત થયા હતા.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાને ચંદ્રયાન– ૦૩ના ચંદ્રની સપાટી ઉપર સોફટ લેન્ડીંગ અંગે વિશ્વાસ હતો અને અગાઉથી જ બધાને એકત્રિત કરીને લાઇવ લેન્ડીંગ નિહાળવાનું આયોજન કરાયું હતું અને સફળતાપૂર્વક લેન્ડીંગની ક્ષણને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ચેમ્બર ઓફ કોમર્સમાં આ ક્ષણની ઉજવણી કરાઇ હતી અને એકબીજાને પેંડા ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.
મિશન ચંદ્રયાન– ૦૩ની સફળતાની સાથે જ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા હેતુ શરૂ કરવામાં આવેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની સફળતા માટે ઇશ્વરને પ્રાર્થના કરાઇ હતી.