ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગની સાથે ‘બ્રેસ્ટ કેન્સર’ વિશે અવેરનેસ સેશન’યોજાયું
ડો. રૂપલ શાહે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં થયેલા ચિંતાજનક વધારા વિશે ચર્ચા કરી મહિલાઓને તેનાથી બચવા માટેના ઉપાયો સૂચવ્યા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શુક્રવાર, તા. ૧૩ ઓકટોબર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પિપલોદ સ્થિત વામા વેલનેસ સેન્ટર ફોર વુમન ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગની સાથે ‘બ્રેસ્ટ કેન્સર’પર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત ડો. રૂપલ શાહે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં થયેલા ચિંતાજનક વધારા વિશે ચર્ચા કરી મહિલાઓને તેનાથી બચવા માટે ઉપાયો સૂચવ્યા હતા.
ડો. રૂપલ શાહે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ ત્રણ મિનિટે એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થઈ રહયો છે. ગુજરાતમાં પણ મહિલા બ્રેસ્ટ કેન્સરના કેસ ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે મહિલાઓએ કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. આ કેન્સર સામેની જંગ તાકીદે નિદાન થતાં જીતી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસો સતત વધી રહયા છે. સમગ્ર વિશ્વમાં ઓકટોબર મહિનાને ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જરૂર છે કે મહિલાઓએ બ્રેસ્ટ કેન્સર અંગે વધુ જાગૃત થવું જોઈએ. મહિલાઓએ માત્ર બ્રેસ્ટ જ નહીં પણ શરીરના કોઈ પણ ભાગમાં છ મહિના કરતાં વધુ સમયથી ગાંઠ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
તેમણે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર છે કે નહીં તેના સ્વચકાસણી માટેના કેટલાક ઉપાયો આપ્યાં હતા. પ્રત્યેક મહિલાએ પીરિયડ્સના પાંચમાં દિવસે બ્રેસ્ટની આસપાસ ગાંઠ જેવું છે કે પછી ચામડીનો ભાગ ખરબચડો છે તેની સ્વચકાસણી કરી લેવી. સાથે જો કોઈ મહિલાને પીરિયડ્સ નહીં આવતાં હોય તો તેમને મહિનાના કોઈ પણ એક દિવસ ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે.
વુમન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગમાં ડો. અમી યાજ્ઞિક, ડો. સોનિયા ચંદાની, ડો. પારૂલ પટેલ, ડો. રૂચા કાપસે, ડો. રિચા વઘાસિયા, ડો. જયાલક્ષ્મી ચોરાવાલા અને જ્યોત્સના ગુજરાતી તથા અન્ય મહિલા સભ્યોએ બિઝનેસ પ્રેજન્ટેશન કર્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સભ્ય મન્શાલીએ ડોકટરોનો પરિચય આપ્યો હતો. સભ્ય અંકિતા વાળંદે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.