માંડવી તાલુકાના રતનિયા ગામે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયુ
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના થકી આરોગ્યની કેશ લેશ સુવિધા સરકારે ઉપલબ્ધ કરાવી :- કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના રતનિયા ગામે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું. આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મર્મ દરેક ગામના વ્યક્તિઓ સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના થકી આરોગ્યની કેશ લેશ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજના અમલી બનાવી છે.
વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ ૧૦૦ ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપના ગામ સુધી ફરી રહી છે. તમામ લોકોએ સરકારની યોજનાનો લાભ લેવો જોઇએ અને અન્ય લોકોને પણ સરકારની વિકાસલક્ષી યોજના વિશે માહિતગાર કરવા હાજર સૌને અનુરોધ કર્યો હતો.
મંત્રી કુંવરજીભાઇ હળપતિએ કહ્યું હતું કે, અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાં રસ્તા, આરોગ્ય, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી દેશના દરેક ગામડાઓમાં રથ ફરી દરેક જન જન સુધી કલ્યાણકારી યોજનાઓની માહિતી પુરી પાડવામાં મહત્વની કડી રૂપ બનશે.
આ અવસરે મંત્રીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિ.સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, નગર પા.પ્રમુખ નિમેષભાઈ શાહ, અગ્રણીઓ દિલીપભાઈ ચૌધરી, જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, મામલતદાર, સંરપંચ, નાબાર્ડના અધિકારી, SBIના અધિકારી, BOBના અધિકારી, વિસ્તરણ અધિકારી (ખેતી), તેમજ તાલુકા પંચાયતના કર્મચારી, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આરોગ્ય વિભાગના કર્મચારી, આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.