અદાણી વિદ્યામંદિરના તારલાઓ શિક્ષણ, સ્પોર્ટ્સ અને ચિત્રકામમાં અવ્વલ!
વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ
અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA)ના તેજસ્વી તારલાઓએ શિક્ષણ સહિત સ્પોર્ટ્સ અને ચિત્રકામ જેવા ક્ષેત્રોમાં નામ રોશન કર્યું છે. વિદ્યામંદિરના બાળકોએ તાજેતરમાં આયોજીત સર્જનાત્મકતા, અર્થપૂર્ણ શિક્ષણ અને ખેલકૂદ વિષયક સ્પર્ધાઓમાં અવ્વલ દરજ્જો હાંસલ કરી નામ રોશન કર્યું છે. બાળકોને જવાબદાર અને સક્ષમ નાગરિક બનાવવા AVMA ના મિશનનું અભિન્ન અંગ છે.
સર્જનાત્મકતા, વાંચન અને વિચાર કૌશલ્ય વિકસાવવતા પ્લેટફોર્મ પર વિદ્યામંદિરના યુગ પ્રજાપતિએ રાજ્ય કક્ષાએ ડંકો વગાડ્યો છે. નોલેજ એન્ડ અવેરનેસ મેપિંગ પ્લેટફોર્મ (KAMP)માં રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી યુગે અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. 21મી સદીના વિદ્યાર્થીઓમાં કૌશલ્યો, જાગરૂકતા, વિજ્ઞાન, ટેક્નોલોજી અને માનવતાના ગુણોનું મૂલ્યાંકન કરવા માટે KAMP આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.
વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ શ્લોક રાજપૂત અને પ્રથમ ચંદેલે સર્વાંગી વિકાસના મંત્રને સાર્થક કરતા ફીટ ઈન્ડિયાની હરીફાઈમાં મેદાન માર્યુ છે. રમતગમતના વિષયોમાં પ્રવૃત્ત થવાથી વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના મજબૂત બને છે. આ જ ઉદ્દેશથી ફિટ ઇન્ડિયા ક્વીઝ-2023માં ભાગલેનાર AVMAના બે રમતવીરો રાજ્યસ્તરે પસંદગી પામ્યા છે. AVMA વિદ્યાર્થીઓને મોર્નિગ એસેમ્બલીથી માંડીને સાપ્તાહિક ક્લબ પ્રવૃત્તિઓ, રચનાત્મકતા અને ઉભરતી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડે છે.
બાળકોની રચનાત્મકતાને વિકસાવવા વિદ્યામંદિરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ચિત્રકળામાં વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે તે માટે અવારનવાર ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં એક ખાનગી સંસ્થાન દ્વારા આયોજિત સ્પર્ધાત્મક કાર્યક્રમમાં ધોરણ 6માં અભ્યાસ કરતા યુવરાજે પરદેશી પ્રથમ સ્થાન મેળવી વિજેંતા બન્યો છે.
AVMA એ યુનિસેફ સાથે સહયોગ કરતી ગુજરાતની એકમાત્ર ખાનગી શાળા છે અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે. AVMA તેની અભ્યાસક્રમ-સંકલિત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા જૈવવિવિધતા પર મજબૂત ભાર મૂકતા છે. પરંપરાગત શૈક્ષણિક અભિગમોથી આગળ વધી વિદ્યાર્થીઓને સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓની ઊંડી સમજ આપે છે.