HomeBusiness"A Story Of Faith And Determination"/'વિશ્વાસ અને સંકલ્પની કહાની: પ્રજ્ઞાચક્ષુ મિત્રોની સફળ...

“A Story Of Faith And Determination”/’વિશ્વાસ અને સંકલ્પની કહાની: પ્રજ્ઞાચક્ષુ મિત્રોની સફળ ઉડાન/INDIA NEWS GUJARAT

Date:

‘વિશ્વાસ અને સંકલ્પની કહાની: પ્રજ્ઞાચક્ષુ મિત્રોની સફળ ઉડાન



ચાર પ્રજ્ઞાચક્ષુ મિત્રો પોતાની શારીરિક મર્યાદાઓને ઓળંગીને સતત પ્રયત્નો અને પરિશ્રમ દ્વારા આત્મનિર્ભર બન્યા


અલથાણ શેલ્ટર હોમના ચાર અંધજન મિત્રોએ પેપર ફોઈલ બાઉલ બનાવવાનો બિઝનેશ શરૂ કર્યો: ઉત્પાદન, માર્કેટિંગ, પેકેજિંગ પણ જાતે કરે છે


સુરતમાં પોતાનો નાનકડો બિઝનેસ શરૂ કરવાનું મારૂ સપનું સાકાર થયું: વિપિન કાછરીયા


મારો અનુભવ છે કે તમારી પોતાની મદદ કરો, ભગવાન તમારી મદદ આપોઆપ કરશે: અલ્પેશ પટેલ


હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ અર્થાત્ ભગવાન એવા લોકોની મદદ કરે છે, જે લોકો સ્વયંની મદદ કરે છે. એટલે જ સફળ થવા માટે હંમેશા પ્રયાસોરત રહેવું જોઈએ. આજના યુગમાં કોઈ પોતાના શક્તિશાળી શરીરથી, કોઈ પોતાની સુંદરતાથી, કોઈ પોતાના જ્ઞાન કે પોતાની આવડતથી સામાજમાં નામના મેળવી રહ્યાં છે, ત્યારે આજે એવા ચાર મિત્રોની વાત કરવા જઈ રહ્યાં છે, જેઓ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આત્મનિર્ભર બનવા માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખે છે.


સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણ સ્થિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ શેલ્ટર હોમમાં રહેતા ચાર અંધજન મિત્રો સતત પ્રયત્નો અને પરિશ્રમ દ્વારા પેપર ફોઈલ બાઉલનો બિઝનેશ શરૂ કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યાં છે. જેઓ પેપર પ્લેટ ઓટોમેટિક મશીનની મદદથી પેપર ફોઈલ બાઉલનું ઉત્પાદન કરે છે, સાથે સાથે પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ, પેકેજિંગ પણ પોતે જ કરે છે.


દાહોદના વરમખેડા ગામથી આવેલા ૩૮ વર્ષીય અલ્પેશ પટેલે શેલ્ટર હોમમાં થોડો સમય વિતાવ્યા બાદ તેના મિત્ર વિપિનભાઈ કાછરીયાને અહીં બોલાવીને નાનો ધંધો શરૂ કર્યો હતો. મઝરૂહ સુલતાનપુરીએ લખ્યું છે કે, ‘મૈ અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર, લોગ આતે ગયે કારવા બનતા ગયા..’ એ જ રીતે અલ્પેશભાઈને હેલ્પ ડિવાઈન ફાઉન્ડેશન દ્વારા વ્યવસાય કરવા માટે પેપર પ્લેટ ઓટોમેટિક મશીનની મદદ મળી. જેનાથી પેપર ફોઈલ બાઉલ બનાવવાનું કામ શરૂ થયું. ગ્રાહકોની વધતી માંગને કારણે અલ્પેશ તેના ત્રણ મિત્રો વિપિન કાછરીયા, ૨૦ વર્ષીય અજય ગામીત (૨૦), ૨૦ વર્ષીય મોહિત પટેલને મદદ માટે બોલાવે છે, જેઓ મૂળ ભાવનગર અને દાહોદના વતની છે.
અલ્પેશ પટેલ પોતાના બિઝનેસમાં પ્રોડક્શનનું કામ સંભાળે છે. તેઓ કહે છે કે, પાંચ વર્ષ પહેલા એક અકસ્માતમાં આંખો ગુમાવી હતી. મેં B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે, અને એક વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ છે. દ્રષ્ટિ ગુમાવ્યા પછી ઘણી ખાનગી કંપનીઓમાં કામ કર્યું. જ્યાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પછી મને સમજાયું કે, હું એક નાનો વ્યવસાય કરી શકવા પણ સક્ષમ છું. જેથી જ્યોતિ સામાજિક સેવા સંસ્થાના જનરલ સેક્રેટરી અને હેલ્પ ડિવાઈન ફાઉન્ડેશનના સ્થાપક તરૂણભાઈ મિશ્રાને મારો વિચાર રજૂ કર્યો અને તેમની પાસેથી મળેલા મશીન થકી અમે શેલ્ટર હોમમાં જ ગ્રાહકોની માંગ મુજબ ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. નોકરી કરતા આ બિઝનેસમાં સારૂ વળતર મળે છે. અમે દર મહિને પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.સાતથી દસ હજારની કમાણી કરીએ છીએ. અલ્પેશ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, જો તમે પોતાની મદદ કરો તો ભગવાન તમારી મદદ કરશે જ.


ભાવનગરના પ્રજ્ઞાચક્ષુ ૩૫ વર્ષીય વિપિન કાછડિયા તેમના વ્યવસાયમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનનું કામ સંભાળે છે. તેઓ જણાવે છે કે, વર્ષ ૨૦૦૫ માં મેં મારી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. જેના કારણે મારા જીવનમાં નિરાશાના વાદળો છવાયા હતા, પરંતુ હું હિંમતથી આગળ વધ્યો. હું મારા જીવનમાં સકારાત્મકતાથી ભરેલા લોકોને મળ્યો, જેના કારણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મેં આઈ.ટી.આઈ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ખાનગી કંપનીઓમાં કામ કર્યું અને સરકારી વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ભાગ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આટલી મુશ્કેલીઓ બાદ સુરતમાં બિઝનેસ શરૂ કરવાની તેની ઈચ્છા પૂરી થઈ છે. પ્રોડક્શનનું કામ વધી ગયું અને દાહોદથી મારા બે પ્રજ્ઞાચક્ષુ મિત્રો અજય ગામીત અને મોહિત પટેલને શેલ્ટર હોમમાં મદદ કરવા માટે બોલાવ્યા. અજય અને મોહિત પેકિંગનું કામ સંભાળે છે. હું માનું છું કે, આવનારા સમયમાં જો અમને ગ્રાહકો તરફથી પ્રોત્સાહક અને સારો પ્રતિસાદ મળશે તો અમારૂ કાર્ય અન્ય દસ લોકોને રોજગારી આપશે.


હેલ્પ ડિવાઈન ફાઉન્ડેશનના સ્થાપક તરૂણ મિશ્રા જણાવે છે કે, દિવ્યાંગ અને અંધજન લોકોને મદદ કરવાનું કારણ એ છે કે કોઈ તેમનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન કરી શકે. દિવ્યાંગજનો સ્વનિર્ભર બને અને લાચાર જીવન ન જીવે. ઘણી ખાનગી કંપનીઓમાં દિવ્યાંગ અને અંધજન લોકો વધુ ઉત્પાદકતાના અભાવ અને તેમના કામમાં મર્યાદિત ભાગીદારીના કારણે રોજગાર મેળવી શકતા નથી. દિવ્યાંગો સ્વાભિમાન, સ્વમાનભેર જીવન જીવે એ માટે અમે પેપર પ્લેટ ઓટોમેટિક મશીનની સુવિધા આપી છે, અને બાકીનું કામ તેઓ સ્વયં કરે છે.
આજના દોડધામભર્યા યુગમાં આપણે દરરોજ અખબારો કે ટીવી ચેનલોમાં આપઘાતના સમાચાર વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. આ ચાર અંધજન મિત્રોની વાર્તા આજના યુવાનો માટે પ્રેરણાદાયી ફિલ્મની સ્ટોરીથી કમ નથી. આવા સ્વમાની અને હિંમતવાન લોકો આપણને શીખવે છે કે મક્કમ મનોબળ અને સખત પરિશ્રમથી કોઈપણ મુશ્કેલીને દૂર કરી શકાય છે અને સપનાઓને સાકાર કરી શકાય છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories