સુરતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામે વન રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ‘વન સેતુ ચેતના યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું
} આદિવાસી સમાજમાં નવી ચેતનાનો સંચાર કરવા માટે વન સેતુ ચેતના યાત્રા શરૂ કરવામાં આવી છે
} મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટીની પણ ગેરેન્ટી
} આદિવાસી સમાજ અને વન કર્મીઓ વચ્ચે સેતુ સ્થપાય એ માટે વન સેતુ ચેતના યાત્રા શરૂ કરવામાં આવી છે વન મંત્રી: મુકેશભાઈ પટેલ
} આદિમ જૂથના લોકોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૨૪૦૦૦ કરોડની પ્રધાનમંત્રી જન મન યોજના શરૂ કરવામાં આવી છે
} ખેડૂતોને સિંચાઇ માટે સોલર પમ્પ આપવામાં આવશે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ
માંડવી તાલુકાના વીસડાલિયા ખાતે વન સેતુ યાત્રાનું કરવામાં આવ્યું દબદબાભેર સ્વાગત
સમગ્ર રાજ્યમાં તા૧૮મી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે યાત્રા તેના બીજા દિવસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વીસડાલિયા ગામ ખાતે આવી પહોચી હતી. જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિ સાથે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોથી આદિવાસી સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વન સેતુ ચેતના યાત્રા આદિવાસી સમાજમાં નવી ચેતનાનો સંચાર કરશે એમ રાજયના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
માંડવી તાલુકાના વીસડાલિયા ખાતે વન સેતુ યાત્રા અંતર્ગત યોજાયેલી જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે વન સેતુ ચેતના યાત્રાનો આશય સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આદિ કાળથી વન સંરક્ષણ કરતા આવેલા આદિજાતિ સમાજ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે સામંજસ્ય કેળવી સેતુ સ્થાપી શકાય એ માટે ઉમરગામથી અંબાજી સુધી ૧૩ જિલ્લા અને ૫૧ તાલુકામાંથી પસાર થશે એમ કહી તેમણે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં ૨૧૦૦ હેક્ટર વિસ્તારમાં વાંસ સુધાર કામગીરી થકી રૂપિયા ૮૫ લાખની આવક મેળવી છે એમ ઉમેર્યું હતું.
તાજેતરમાં સંપન્ન થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભારત સરકારની વિકસિત ભારત યાત્રાનો મોદીની ગેરેંટીવાળો રથ તમે જોયો હતો એ માત્ર ગરેન્ટી નથી પણ મોદીની ગેરેંટી એટલે ગેરેન્ટીની પણ ગેરંટી છે એમ જણાવ્યું હતું.
કોઇ પણ સમાજે વિકાસની નવી ઉંચાઈઓ આંબવી હશે તો શિક્ષણ વગર શક્ય નથી માટે આદિવાસી સમાજના પણ શિક્ષણ પ્રત્યે સજાગ બને એ સમયની માંગ છે એમ કહી તેમણે આદિવાસી સમાજના બાળકો ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બને એ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિગતે છણાવટ કરી લાભ લેવા અનુરોધ કર્યો હતો.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિમ જૂથના કોટવાળીયા, કોલધા, કોલચા સહિત દેશભરની ૭૫ જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલી રૂપિયા ૨૪૦૦૦ કરોડની પ્રધાનમંત્રી જન મન યોજના અમલમાં મુકવામાં આવી છે જેનાથી દેશ ભરની આદિમ જૂથ ૭૫ જ્ઞાતિના ૨૮ લાખ કુટુંબનો સર્વાંગી વિકાસ શક્ય બનશે એમ કહ્યું હતું.
આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓમાં પણ સૌથી વંચિત એવા આદિમજૂના લોકો માટે પીએમ જન મન યોજના અંતર્ગત ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરીને, સમાજના સર્વાંગીણ ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે, આદિવાસી દીકરા દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારે ૧૫ હજાર કરોડ રૂપિયાનું ફાળવ્યું છે. ખેડૂતોને સિંચાઇ માટે સોલર પમ્પ આપવામાં આવશે. ચાલુ વર્ષમાં યુવાનોને રોજગારી આપવા માટે જેસીબી, રોલર, હિટાચી અને સેન્ટિંગ કામના સાધનો આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર રાષ્ટ્રપતિ પદ માટે સુશ્રી દ્રૌપદી મુરમુજીને સ્થાન આપી વડાપ્રધાનએ આદિવાસી સમાજને અનોખું ગૌરવ પ્રદાન કર્યું છે.
બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, વન સેતુ ચેતના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉનાઈ ખાતેથી કરાવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસમાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિકાસ માટે કોઈ પણ સમાજને બાકાત રાખ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે પીએમ જન મન યોજના આદિમ જૂથ સમાજના તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવશે એમ તેઓએ ઉમેર્યું હતુ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવીનીબેન પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ. ડી. સિંઘ, મુખ્ય વન સંરક્ષક સુરત ડૉ.કે. સશિકુમાર, નાયબ વન સંરક્ષક સુરત આનંદકુમાર, તાપીના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પંચાયત સભ્ય અનિલભાઈ ચૌધરી, ગીતાબેન અગ્રણી દિનેશભાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, વન અધિકારીઓ, વનકર્મીઓ, પોલીસના જવાનો, શાળાના બાળકો, ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાસાયણિક ખેતીથી માનવ સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા પર થતી વિપરીત અસરોને દુર કરી શકાય એ માટે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આ દિશામાં સતત પ્રયાસરત છે. જિલ્લાના ૩૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. માંડવી ખાતે યોજાયેલા વન સેતુ ચેતના યાત્રાના કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ૩૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વન મંત્રી મુકેશભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન માહિતી આપતા કહ્યું હતું કે, ૧૫ આદિજાતિ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો તેની મુલ્યવર્ધિત બનાવટોનું વેચાણ કરી શકે એ માટે વન વિભાગ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે દુકાનોની ફાળવણી કરવામાં આવશે. જેની શરૂઆત સુરતથી કરવામાં આવશે . ડુમસ બીચ ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ પંદર આદિજાતિ જિલ્લા પૈકી તમામ જિલ્લાઓને ત્રણ લેખે ૪૫ દુકાનો વિનામૂલ્યે આપવામાં આવશે જ્યાં ખેડૂતો તેમની સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો વેચી સારી એવી આવક મેળવી શકશે.