બારડોલી ખાતે કેળના પાકમાં પ્રાકૃતિક ખેતી અને તેનુ મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શક શિબિર યોજાઈઃ
સુરત જિલ્લામાં ૩૧૨૧ હેકટરમાં કેળની ખેતી થાય છેઃ નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયા
સુરતની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બારડોલી તાલુકાની શ્રી બારડોલી બાગાયત ખેડૂત સહકારી મંડળી લી., બારડોલી ખાતે કેળપાકમાં પ્રાકૃતિક ખેતી અને મુલ્યવર્ધન વિષય હેઠળ એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરતના નાયબ બાગાયત નિયામક ડિ.કે.પડાલીયાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૩૧૨૧ હેકટરમાં કેળના પાકની ખેતી થાય છે જે પૈકી બારડોલી તાલુકામાં ૫૦૦ હેકટરમાં થાય છે. ખેડુતોને કેળના પાકમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી કૃષિ ખર્ચ ધટાડાની સાથે ઉત્પાદનમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોની માંગ દિન પ્રતિદિન વધી રહી હોવાની વિગતો આપીને ખેડુતોને કેળાનું મૂલ્યવર્ધન કરીને અન્ય દેશોમાં પણ નિકાસ કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે અન્ય બાગાયતી યોજનાઓની વિગતો પણ આપી હતી.
આ પ્રસંગે ગણદેવીના સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. એ. પી. પટેલે ફળ સંસોધન કેન્દ્ર દ્વારા ખેડુતોને મેક્રોપ્રોપેગેશન પધ્ધતિ દ્વારા કેળના રોપા તૈયાર કરવા માટેની પધ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. જે. એચ. રાઠોડે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની માહિતી આપી હતી. ફળ સંસોધન કેન્દ્ર, ગણદેવીના સંશોધન વૈજ્ઞાનિક ડો. પી.કે. મોદી દ્વારા ખેડૂતોને કેળ પાકમાં પ્રાકૃતિક ખેતી અને તેમાં રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
આ ખેડૂત શિબિરમાં બારડોલી તાલુકાના કેળની ખેતી કરતા ખેડુતોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. શ્રી બારડોલી બાગાયત ખેડૂત સહકારી મંડળી લી.ના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને મંત્રીશ્રી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના મદદનિશ બાગાયત નિયામક અને બાગાયત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.