૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર આયુષ્માન ભવ અભિયાન:
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગાંધીનગર ખાતેથી “આયુષ્માન ભવ” અભિયાનનો પ્રારંભઃ નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઓડીટોરીયમ હોલ ખાતે જીવત પ્રસારણ નિહાળ્યુઃ
૧૭મી સપ્ટેમ્બરથી સમગ્ર રાજય સહિત સુરત જિલ્લામાં આયુષ્માન ભવ અભિયાન થકી ગામે ગામ આયુષ્માન કાર્ડના કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાશેઃ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારની આરોગ્યની વિવિધ યોજનાઓના લાભો સમગ્ર દેશવાસીઓને મળી રહે તે માટે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આયુષ્માન ભવઃ અભિયાન અને આયુષ્માન ભવઃ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આગામી ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મ દિવસથી ૨જી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી વહીવટી તંત્ર દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્ય યોજનાથી અવગત કરવા તેમજ યોજનાઓનો ૧૦૦% લાભ પહોંચાડવા માટે આયુષ્માન ભવઃ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તા.૧૭/૦૯/ર૦ર૩ થી તા.૦ર/૧૦/ર૦ર૩ સુધી સેવા પખવાડિયા દરમ્યાન આયુષ્માન ભવ અભિયાન,સ્વચ્છતા અભિયાન,રકતદાન કેમ્પ અને અંગદાન માટે પ્રતિજ્ઞા સંદર્ભેની કામગીરી પણ કરવામાં આવશે. આ અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ ડોકટરો, નર્સીગ સ્ટાફ જોડાઈને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
“આયુષ્માન ભવ” અભિયાનના કાર્યક્રમનું જીવત પ્રસારણ નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઓડીટોરીયમ હોલ ખાતે જીવત પ્રસારણ નિહાળ્યુ હતું. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થનારા આયુષ્માન ભવ અભિયાનમાં જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાપ્તાહિક આયુષ્માન મેળા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, આંખ અને મનોરોગ સહિતના નિષ્ણાત તબીબો થકી કેમ્પ કરવામાં આવશે. જ્યારે ૨જી ઓક્ટોબરના રોજ ગામડાઓમાં આરોગ્યની સાર સંભાળ વિશે જાગૃતિ વધારવા ગ્રામસભાઓ યોજાશે. તમામ કાર્યક્રમોનું અમલીકરણ કરી ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડનું વિતરણ અને આભા આઈડીનું નિર્માણ તેમજ હાઈપરટેન્શન, ડાયાબિટીસ માટે તપાસ અને ટીબીના દર્દીઓની ઓળખ કરનાર ગામ અને શહેરી વોર્ડને આયુષ્માન ગ્રામ પંચાયત અથવા આયુષ્યમાન અર્બન વોર્ડનો દરજ્જો અપાશે. ૧૫ દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં સ્વચ્છતા અભિયાન, અંગદાન લોકજાગૃતિ ઝુંબેશ અને રક્તદાન શિબિર સહિતનાં કાર્યક્રમો યોજાશે.
સિવિલ હોસ્પિટલમાં ’આયુષ્માન ભવ’ અભિયાનના પ્રારંભનું જીવત પ્રસારણ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલભાઇ.બી.પટેલ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલા, સિવિલ ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત સિવિલ હોસ્પિટલનો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.