Ashleigh Barty Retirement: વિશ્વના નંબર વન ખેલાડી એશ્લે બાર્ટીએ ફેન્સને ચોંકાવ્યા, 25 વર્ષની ઉંમરે ટેનિસને કહ્યું અલવિદા
Ashleigh Barty Retirement:
વિશ્વના નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ 25 વર્ષની ઉંમરે અચાનક ટેનિસને અલવિદા કહી દીધું છે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
Ashleigh Barty Retirement:
એશ્લે બાર્ટીએ આજે સવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે લખ્યું, ‘આજનો દિવસ મારા માટે મુશ્કેલ અને ભાવનાત્મક દિવસ છે કારણ કે મેં પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મને ખબર ન હતી કે, આ સમાચાર તમારી સાથે કેવી રીતે શેર કરવા, તેથી મારા સારા મિત્ર કેસી ડેલકુઆને મદદ કરવા કહ્યું હતું. આ સફરમાં મારો સાથ આપનાર દરેકનો આભાર.’
Ashleigh Barty Retirement: બાર્ટીની શાનદાર કારકિર્દી
બાર્ટીએ તેમની કારકિર્દીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. પહેલા તેમણે 2019માં ફ્રેન્ચ ઓપન જીતી હતી. આ પછી તેમણે 2021માં વિમ્બલ્ડન અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. બાર્ટી યુએસ ઓપનમાં બે વખત (2018, 2019) ચોથા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. બાર્ટીએ તેમની ટૂંકી કારકિર્દીમાં 15 સિંગલ્સ અને 12 ડબલ્સ ટાઇટલ જીત્યા હતા. તેઓ સતત 114 અઠવાડિયા સુધી ટોચના ખેલાડી રહ્યા.