AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી
હજીરા-સુરત, ફેબ્રુઆરી 02, 2025:
સુરક્ષા વ્યવસ્થાની કાર્યક્ષમતા જાળવણીમાં પોલીસ વિભાગને સરળતા રહે ઉપરાંત ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (CSR)ના ભાગ એવા ‘પ્રોજેક્ટ ગ્રીન’ અંતર્ગત સુરત શહેર અને જિલ્લા પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક પૂરી પાડી છે. પોલીસ વિભાગને ઈ-બાઈક્સ સુપરત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઇ-બાઈક્સ, ખાસ કરીને સાંકડી ગલી, ભીડવાળા બજારો અને ખાસ કાર્યક્રમોમાં કે જ્યાં ફોર વ્હીલર્સ વાહનોનો ઉપયોગ સરળ અવર-જવર માટે થઈ શકતો નથી, ત્યાં પોલીસ પેટ્રોલિંગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ ઇ-બાઈકથી પોલીસ દળની ગતિશીલતા વધશે, જેથી ઝડપથી પ્રતિક્રિયા આપી શકાય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાશે.
હર્ષભાઈ સંઘવી, માનનીય ગૃહ રાજ્ય મંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, “સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઇકસના ઉપયોગનો પ્રારંભ સ્માર્ટ પોલીસિંગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બજાર અને જાહેર સ્થળ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારો કે જ્યાં પરંપરાગત પોલીસ વાહનોની ગતિને નડતાં અવરોધોને કારણે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઇ-બાઇકસ પેટ્રોલિંગની કાર્યક્ષમતામાં વધારો કરશે અને સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે. AM/NS Indiaના ટકાઉ યોગદાન અને પ્રતિબદ્ધતા માટે હું તેમનો આભાર માનું છું અને સુરત પોલીસને આ પ્રગતિશીલ પહેલ માટે અભિનંદન પાઠવું છું.”
અનુપમસિંહ ગેહલોત, સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “આ ઇ-બાઇકસની ઉપસ્થિતિ અમારા પોલીસ કર્મચારીઓની ચુસ્તતા અને સુરક્ષા ક્ષમતામાં સુધારો કરશે. અમને સુરત અને તેના આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગની કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. AM/NS India દ્વારા આપેલા અમુલ્ય સમર્થન માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ, જે અમારા કાર્યને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થયું છે.”
સુરત પોલીસ આ ઇ-બાઈક્સને મોરા, સુંવાલી બીચ, હઝીરા, ઉધના, પાંડેસરા અને અન્ય મહત્વપૂર્ણ બજાર વિસ્તારોમાં તહેનાત કરશે, જેથી વધુ વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.
આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણના માનનીય રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, ડીસીપી (ઝોન-4) વિજય ગુર્જર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
AM/NS Indiaએ ‘પ્રોજેક્ટ ગ્રીન’ અંતર્ગત સુરત પોલીસને ઇ-બાઈક્સ સોંપી જાહેર સુરક્ષા માટે ટેક્નોલોજી થકી વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.