Winter Festival 2025 begins: દેશના કલાકારો અને કારીગરોને એક સ્થળ પર એકઠા કરી વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવા માટેનું શ્રુજન LLDC વિન્ટર ફેસ્ટિવલનો ઉદ્દેશ છે. અજરખપુર ખાતે આવેલા શ્રુજન- લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન (એલ.એલ.ડી.સી.) ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે આજથી વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫નો દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યનાં આદાન-પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે. INDIA NEWS GUJARAT
5 દિવસ સુધી યોજાનાર વિન્ટર ફેસ્ટિવલમાં 100થી પણ વધુ કલાકારો અને કારીગરો ભાગ લેશે
આ ફેસ્ટિવલના સહયોગી દાતા અદાણી ગ્રુપના SEZ અને અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહના હસ્તે રિબિન ઓપનિંગ દ્વારા વિન્ટર ફેસ્ટિવલ-2025 ખુલ્લો મૂકયો હતો અને ત્યાર બાદ દીપ પ્રાગટ્ય સર્વ શ્રી દેવેન્દ્રભાઈ શાહ (લીલાધર પાસુ ફોરવર્ડર્સના મેનેજિંગ ડાયરેક્ટર), તુષારભાઈ દેઢિયા (આશાપુરા ગ્રુપ), સાંસ્કૃતિક મંત્રાલય (ભારત સરકાર)ના આસિ. ડાયરેક્ટર રચના શર્મા, ધોરડોના સરપંચ મિયાં હુસેન મુતવા, શ્રુજન એલ. એલ. ડી. સી. ના ચેરમેન શ્રી દિપેશભાઈ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમીબેન શ્રોફ, મહાનુભાવોને હસ્તે કરાયો હતો. ઉદ્ઘાટન બાદ બાળ કલાકારો રિશી શેઠિયા, યજ્ઞ ગોર, હરમન ઝાલા અને પિનાક શાહ દ્વારા નોબત, ઢોલ તેમજ ઓર્ગન પર ધમાકેદાર સગીત-નાદ સાથે સ્વાગત પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ મહાનુભાવોએ ઓડિશા અને કચ્છના હસ્તકલાના કારીગરોની ક્રાફ્ટ બજારમાં મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.
ત્યારબાદ મુખ્ય સ્ટેજ પર સાંજના કાર્યક્રમોની શરૂઆત કનૈયાલાલ સીજુ અને તેમના ગ્રુપ દ્વારા કચ્છી લોક ગીત-સંગીત દ્વારા ઓડિશાનાં સંગીત વૃંદ સાથે મળી કરાઇ હતી. ઓડિશાના પારંપરિક વાદ્યો સાથેના લોક સંગીતની રજૂઆતે સૌને મોહિત કર્યા હતા. ત્યારબાદ ઓડિશા ના BGGA રઘુરાજપુર ડાન્સ ગ્રુપ દ્વારા ગુરુ શિષ્ય પરંપરાના ખૂબ જ વિખ્યાત ગોટીપુઆ નૃત્યની ઊર્જામય રજૂઆત કરાઇ હતી, જેમને પ્રેક્ષકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવાઈ હતી. ઓડિશાનાં જ નૃત્ય મલ્હાર અને પ્રતિવા ફોક એન્ડ ટ્રાઈબલ ડાન્સ ગ્રુપો એ પણ ધમાકેદાર પ્રસ્તુતિ કરી હતી સાથે ભુજની જ નૂપુર ડાન્સ એકેડમીએ પણ કચ્છ પર અદ્ભુત નૃત્ય રચના થી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. રાત્રે ધ તાપી પ્રોજેક્ટ બેન્ડના કલાકારોએ અર્બન ફોક મ્યુઝીકની ખૂબ જ ઊર્જાવાન પ્રસ્તુતિ રજૂ કરી હતી. સાંસદ શ્રી વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહી હસ્તકલાને પ્રોત્સાહિત કરતાં આ મહોત્સવ ને બિરદાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું.
ગુજરાત બહારના રાજ્યો થી પણ પ્રવાસીઓ આ મહોત્સવ માણવા આવ્યા
ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી અને કચ્છ સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યો થી પણ પ્રવાસીઓ આ મહોત્સવ માણવા આવ્યા હતા. ક્રાફ્ટ બજારમાં પણ ખૂબ લોકોએ આર્ટ ક્રાફ્ટના સ્ટોલ્સ ની મુલાકાત લઈ, ખરીદી કરી, કારીગરોને બિરદાવ્યા હતા. તો બ્લોક પ્રિન્ટ અને પોટરી ક્રાફ્ટ પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. કિડ્સ ઝોન અને કઠપૂતળીએ બાળકોને ખુશ ખુશ કરી દીધા હતા તો કચ્છના જ યુવા જાદુગર શ્રી ક્રેનિલભાઈના જાદુના પ્રયોગોએ આકર્ષણ જમાવ્યું હતું. ભારતનાં બંધારણને ૭૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે દેશના ૭૫ કારીગરોએ તૈયાર કરેલી ૭૫ પેનલ્સ સાથેના ખાસ તૈયાર કરવામાં આવેલ “હમારી વિરાસત” પ્રદર્શન ની પણ લોકોએ સરાહના કરી હતી.
તારીખ ૧૯થી ૨૩ જાન્યુઆરી સુધી દરરોજ સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલનારા આ ફેસ્ટિવલ જોવા-માણવા જેવો છે.