INDIA NEWS GUJARAT : શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ:-મંત્રી કુબેરભાઈ ડીંડોર
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વર્ગ-૩) તથા ૮મું વહીવટી અધિવેશન (વર્ગ-૪)નું આયોજન કરાયું હતું.
આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ અનેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વર્ગ ૪ના કર્મચારીઓનું વર્ગ ૩માં નિયમિત રીતે પ્રમોશન મળે તે દિશામાં સરકારે કામ કર્યું છે. અંદાજે ૪૧૮ જેટલા વર્ગ ૪ના કર્મચારીઓને વર્ગ ૩માં પ્રમોશન આપવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ પરીક્ષા “પે ચર્ચા” કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે મંત્રીએ અપીલ કરી હતી તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.