INDIA NEWS GUJARAT : જામનગરના વર્તમાન જર્જરિત એસ.ટી.ડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનાવવામાં આવશે. આથી શહેરના પ્રદર્શન ગ્રોઉન્ડમાં હંગામી બસ ડેપોનું સંચાલન કરવામાં આવનાર હોવાથી ત્યાં કામગીરી શરુ કરી દેવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં અતિ આધુનિક બસ ડેપો રૂ.14.48 કરોડના ખર્ચે બનનાર છે. ત્યારે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10 હજાર ચોરસ મીટર જગ્યામાં હંગામી એસ.ટી.ડેપો માટેની કામગીરી ઝડપે શરૂ થઈ છે અને બે માસમાં હંગામી એસટી ડેપો કાર્યરત થઈ જશે. વર્ષ 1970 થી શરુ થયેલા એસટી ડેપોની 54 વર્ષે જર્જરિત બનેલી ઈમારત દુર કરીને તેના સ્થાને રૂ.14.48 કરોડના ખર્ચે મેગા સીટીની જેમ આધુનિક એસ.ટી.ડેપો બનાવવા માટેની માર્ચ માસમાં મંજુરી મળી ગઈ છે.
The Gift of Development : રાજકોટને મળી આટલા કરોડોના વિકાસ કાર્યોની ભેટ, હવે બનશે રમણીય રાજકોટ
3 લાખ ચોરસ ફુટ જગ્યામાં વિશાળ વર્કશોપ, સર્વીસ સ્ટેશન, પ્લેટફોર્મ એરીયા, ડ્રાઈવર- ક્ધડક્ટર રેસ્ટરૂમ, દુકાનો, ઓફીસ, પાર્સલ ઓફીસ ધરાવતા શહેરના એસટી ડેપોના સ્થાને હવે બનનારા નવા એસટી ડેપોના કામનો તા.14 માર્ચ-2024ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જે બાદ એસટી તંત્રની માગણી મુજબ તા.30 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરે નજીકના પ્રદર્શન મેદાનમાં 10 હજાર મીટર જગ્યા ફાળવી આપી છે.
હંગામી એસ.ટી.ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફાળવવામાં આવેલી જગ્યામાં કોન્ટ્રાક્ટર દ્વારા હંગામી એસ.ટી. ડેપોનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ હંગામી એસટી ડેપો બે માસમાં પુર્ણ કરવા માટે તડામાર કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ અહીં હંગામી સ્ટ્રક્ચર ઉભુ થયા બાદ એસ.ટી.ડેપો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવશે. જર્જરિત એસ.ટી.ડેપો તોડી પાડવામાં આવશે અને ત્યાં નવા ડેપોની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ કામગીરી બે વર્ષમાં પુર્ણ કરવામાં આવશે. જેથી બે વર્ષ સુધી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એસ.ટી.ડેપો કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો થાય છે. જે હવે આગામી વર્ષે અન્ય સ્થળે ખસેડવો પડશે. આ ઉપરાંત નવરાત્રિમાં ફટાકડા બજાર સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ પ્રદર્શન મેદામાં યોજાતા હોય છે. તે પણ બે વર્ષ માટે યોજાશે નહીં.