રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હીઃ ગુજરાતમાં Corona કેસમાં આજે એકદમ જ વધારો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં Coronaના 204 કેસ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા નવેમ્બરથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. અને લગભગ છ મહિના બાદ પ્રથમવાર 204 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. અને આટલા કેસ નોંધાતા ત્રીજી લહેરની શરૂઆતની આહટ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાનમાં નોંધાયેલા કેસની સામે 65 દર્દીઓ Coronaને માત આપીને સાજા થયા છે. રાજ્યમાં છેલ્લે 19 જૂને 228 કેસ નોંધાયા હતા. જોકે, આજે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1086 પર પહોંચી ગઈ છે. Corona વિસ્ફોટની સાથે સાથે ઓમિક્રોન વેરિયન્ટના પણ નવા 24 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બની ગયું છે.
ગુજરાતમાં ઓમિક્રોનના 24 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 98.65 ટકા થયો છે તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને પણ પોતાનું અસ્સલ સ્વરૂપ આજે રાજ્યમાં બતાવી દીધું છે. આજે ગુજરાતમાં 24 કેસ ઓમિક્રોનના પોઝિટિવ આવ્યા છે. અને આમ રાજ્યમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 73 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોન સંક્રમિત 17 લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તો 56 દર્દીઓની સારવાર હજુ ચાલી રહી છે.
શહેરના 4ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
નવા વેરિયન્ટ ઓમિક્રોનના આજે જે 24 કેસ નોંધાયા હતાં જેમાં અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં 8 પુરૂષ અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. જે 13 કેસ આવ્યા છે તેમાં ચારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે 9 જણાંની ટ્રાવેલ હિસ્ટ્રી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે જેમાં 3 મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. સાથે સાથે અમરેલી, આણંદ અને વડોદરામાં જે એક એક કેસ ઓમિક્રોનના નોંધાયા છે તેમાં પણ કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ટૂંકમાં લોકલ ટ્રાન્સમિશનથી આ ફેલાયા હોવાનું સૂત્રોનું કહેવું છે.
કોરોનાના અમદાવાદમાં 100 કેસ આવ્યા
અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે સૌથી વધુ 100 કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા છે. જ્યારે રાજ્યના 17 જિલ્લાઓ એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં કુલ 8,29,359ના રિપોર્ટ અત્યાર સુધીમાં પોઝિટિવ આવ્યા છે. અને મૃત્યુનો આંક પણ 10,114 થયો છે. કોરોનાને માત આપીને 8,18,363 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ 1086 થઈ છે. જેમાં 1072ની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જણાવાયું છે જ્યારે 14 દર્દીઓ વેન્ટિલેટર પર છે.