AM/NS India દ્વારા ફાયર સર્વિસ ડેની ઉજવણી, ફાયર સેફ્ટી માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસથી રચાયેલી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા એપ્રિલ 14ના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણીને લઇને AM/NS India, હજીરા ખાતે ફાયર સેફ્ટીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે નેશનલ ફાયર સેફ્ટી ડેની થીમ “ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરો, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપો” હતી. જે અંતર્ગત દેશની પ્રગતિ માટે સલામત વાતાવરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને દરેકને ફાયર સેફ્ટીને પ્રાથમિકતા આપવા અંગે અપીલ કરવામાં આવી હતી.
આ થીમ અંતર્ગત AM/NS India, હજીરાની ફાયર ટીમ દ્વારા કર્મચારીઓ, સહયોગીઓ અને બાળકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 537 જેટલા કર્મચારીઓએ આગ નિવારણ અને સંરક્ષણ અંગે જાગૃતિ માટે ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીઘો હતો. જ્યારે 700 જેટલા કર્મચારીઓએ AM/NS India, હજીરા સંકુલમાં યોજાયેલ ક્વિઝમાં ભાગ લીધો હતો. આગ સામે સલામતી અંગે જાગૃતિ લાવવાના આ કાર્યક્રમમાં મહત્તમ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
ફાયર ટીમે હજીરાની નવજાગૃતિ વિદ્યા વિહાર શાળાના વિદ્યાર્થીઓને અગ્નિશામકની તાલીમ આપી હતી. જેમાં 125થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. AM/NS Indiaના 15 વિભાગોએ આગ નિવારણમાં શ્રેષ્ઠ યોગદાન માટેની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સાથે જ અગ્નિશામકની સામૂહિક નાટ્ય કથામાં 102 કર્મચારીઓ અને સહયોગીઓની ભાગીદારી જોવા મળી હતી.
કટોકટીની સ્થિતિમાં સજ્જતા, પ્રતિભાવ અને શમન યોજના માટે જરૂરી સાધનો અને ટેબલટોપ અભ્યાસમાં 18 વિભાગના 112 કર્મચારીઓએ ભાગ લીધો હતો. લાઇવ રેસ્ક્યુ અને ફાયર ડ્રીલ બાદ ઈનામ વિતરણ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.
વર્ષ 1994માં બોમ્બે ડોકયાર્ડમાં લાગેલી ભીષણ આગ સામે લડતી વખતે જીવ ગુમાવનારા બહાદૂર ફાયર ફાઇટર્સની યાદમાં નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે ફાયર સેફ્ટિને લગતા વિવિધ કાર્યક્રમો દ્વારા આગ સલામતી અને નિવારણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ સાથે જ અગ્નિ સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં 7-14 એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ વીક મનાવવામાં આવે છે.