DEIC Centre Surat: સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતું ડી.ઇ.આઇ.સી સેન્ટર શારીરિક અને માનસિક વિકલાંગ બાળકોનાં વિકાસ માટે આશીર્વાદરૂપ બન્યું છે. જન્મ બાદથી હલનચલન નહિ કરી શકતા અને બોલી નહિ શકનાર 5 વર્ષીય આરુશ અને 3 વર્ષીય નવ્યાને આ સેન્ટરમાં થેરાપી મળવાથી હવે તેઓ અન્ય બાળકોની જેમ બોલવાનું પણ શરૂ કર્યું છે અને જાતે ચાલવાનું પણ શીખી રહ્યા છે.
DEIC Centre Surat: શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો માટે થેરપી
સુરત સિવિલ હોસ્પિટલ સાથે છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો માટે ડી.ઇ.આઇ.સી સેન્ટર ચાલી રહી છે. જેમાં પ્રતિ દિન 30 જેટલા શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો આવતા હોય છે. આ બાળકોને અહીં માનસિક, ફિઝિકલી દરેક ક્રિયાઓ કરાવીને અન્ય બાળકોની જેમ કાર્ય કરતા થાય તે રીતે ટ્રેનિંગ કરવામાં આવે છે.
અહીં આવેલ આરુષ અને નવ્યા જન્મ સમયથી જ બીમારીથી પીડાતા હતા પરંતુ અહીંની ટ્રીટમેન્ટના કારણે આજે તેઓ અન્ય બાળકોને જેમ ક્રિયાઓ કરતા થયા છે.
જન્મી ત્યારે ચાર દિવસ સુધી તે રડી ન હતી
3 વર્ષીય નવ્યા ઉપાધ્યાય જ્યારે સિવિલ હોસ્પિટલના આ સેન્ટરમાં આવી ત્યારે તે ગરદનને પણ કંટ્રોલ કરી શકતી ન હતી, જાતે બેસી શકતી ન હતી અને શરીર પણ ફેરવી શકતી ન હતી. ચાલી શકતી નથી અને સતત મોઢામાંથી લાળ પાડતી હતી. નવ્યાની માતાએ જણાવ્યું હતું કે અમે જ્યારે યુપીથી અહીં આવ્યા ત્યારે મારી દીકરીની આ હાલત હતી. કારણ કે જ્યારે તે જન્મી ત્યારે ચાર દિવસ સુધી તે રડી ન હતી અને અમારી કન્ડિશન એવી ન હતી કે અમે ખર્ચો કરી શકીએ મારા બાજુમાં રહેતા પાડોશી એ અમને નવી સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે કહ્યું હતું અને અમે અહીં આવ્યા હતા.
જન્મથી જ બર્થ એસ્ફેક્ષિયા હતો
બીજા કિસ્સામાં 5 વર્ષીય આરુષને જન્મથી જ બર્થ એસ્ફેક્ષિયા હતો. એટલે કે ખેંચ આવી ખેચના અલગ અલગ પ્રકારોમાં આ એક અલગ ખેચ હોય છે જેને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આરૂષના માતાએ જણાવ્યું હતું કે, આરૂષની સમજણ શક્તિ ઓછી હતી, ચાલી શકતો નહોતો, કોઈને ઓળખતો ન હતો, પોતાની વાત કોઈને સમજાવી શકતો નહોતો, હાથ પગનો પણ ઉપયોગ કરી શકતો ન હતો, પરંતુ અહીં આવ્યા પછી તેને સ્પીચ થેરાપી કરાવી, આંખની તપાસ કરાવી, કાનની તપાસ કરાવી અને આજે તે સમજી શકે છે. પહેલા મને એમ હતું કે આ બધું નહિ કરી શકે પણ અહી આવ્યા બાદ હવે લાગે છે કે હવે બધું કરી શકશે.
બાળકોને ફિઝીયોથેરાપી સાથે સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવ્યું
ડી.ઈ.આઇ.સી સેન્ટરના મેનેજર ડો. હર્ષિતાએ જણાવ્યું હતું કે, આ બંને બાળકો જ્યારે આવ્યા ત્યારે શારીરિક અને માનસિક ક્રિયાઓ કરી શકતા ન હતા. બંને બાળકોને ફિઝીયોથેરાપી સાથે સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવ્યું છે. આ બાળકોને હવે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ જાય છે. પરીવારના સભ્યોને પણ ઓળખવા લાગ્યા છે. બાળકોને આ રીતે નવું જીવન આપવામાં આવતા પરિવારજનો જણાવે છે કે તેમને દુનિયામાં બધું મળી ગયું હોય તેવું લાગે છે.
બંને પરિવારના એકના એક સંતાનને મળી ખુશી
ડી.ઈ.આઇ.સી સેન્ટરમાં આવતા બાળકોને પહેલા કાનની તપાસ, સ્પીચ થેરાપી, આંખની તપાસ કરાવાય છે. અહીં જે ફિઝિયો થેરાપી આપવામાં આવે છે તે ખાનગી હોસ્પિટલમાં પ્રતિદિન 500 થી 700 રૂપિયાની થાય છે અને આ બાળકો પાંચ વર્ષથી ટ્રીટમેન્ટ કરાવે છે. તેઓની કાનની તપાસનો રિપોર્ટ કરવામાં આવે તો તે 2500 રૂપિયાનો રિપોર્ટ હોય છે. આમ જોવા જઈએ તો આ બાળકો જો પાંચ વર્ષ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરે તેનો ખર્ચો 5 થી 10 લાખ જેટલો થઈ જાય છે પરંતુ સિવિલમાં તેઓને મફતમાં સારવાર કરવામાં આવે છે અને અહીં બાળકો સારા પણ થાય છે અને તેની ખુશી માતા અને બાળકોના ચેહરા પર દેખાઈ આવે છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: